સિંગવડ: સિંગવડ તાલુકાના પતંગડીથી પીપલોદ જતી બસ ચાલુ કરવામાં આવી હતી , તે ચાર પાંચ દિવસથી બંધ થઈ જતા ચોમાસામાં વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
પતંગડીથી પીપલોદની બસ થોડાક સમય પહેલા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દ્વારા અંદરના ગામોમાં વિદ્યાર્થીઓ તથા મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી ચાલુ કરવામાં આવી હતી. જેમાં નવાગામ, પતંગડી, વાઘનાળા, ખુદરા, લીંબોદર વગેરે ગામના વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને તથા મુસાફરોને બસની સુવિધા મળી હતી. થોડો સમય બસ ચાલ્યા પછી એસટીના અધિકારીઓ દ્વારા આ બસને પતંગડી થી પીપલોદનો એક ફેરો કરીને પછી તે પીપલોદથી સિંગવડના ફેરા માટે મૂકી દેવામાં આવી હતી. જ્યારે ચાર પાંચ દિવસથી આ બસ પતંગડી જવાનું બંધ થઈ જતા ત્યાંથી ભણવા માટે જતા વિદ્યાર્થીઓ તથા ખેડૂતો અને મુસાફરો માટે અટવાવાનો વારો આવ્યો હતો. બસને ચાલુ કર્યા પછી તેને રેગ્યુલર ચલાવવા માટે એસ.ટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેને રેગ્યુલર ચલાવવા માટે ધ્યાન આપવું જરૂરી છે. પતંગડીની બસ માટે પતંગડી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને પાછી ચાલુ કરવા માટે માંગ ઉઠવા પામી હતી.