Vadodara

વિશ્વામિત્રી નદીમાં પીવાના પાણીની લાઇનમાં ફરી લીકેજ, હજારો લિટરનો વેડફાટ

45 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી નદીમાં વહી જાય છે

મગરોની હાજરીના કારણે કર્મચારીઓ સમારકામ કરી શકતા નથી, જેના લીધે નાગરવાડા-નવી ધરતી વિસ્તારમાં નાગરિકો પાણીની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે

વડોદરા : શહેરમાં સયાજીબાગથી નવી ધરતી તરફ વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી 45 વર્ષ જૂની પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડવાથી હજારો લિટર પાણીનો દિવસે દિવસે વેડફાટ થઈ રહ્યો છે. આ લાઇનમાં લીકેજ પ્રબળ થયા છતાં, નદીમાં મગરોની ભારે હાજરીને કારણે પાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સમારકામ કરવામાં અસમર્થ બની રહ્યા છે. આથી નાગરવાડા, નવી ધરતી જેવા વિસ્તારોમાં લોકોને પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષો પહેલા સયાજીબાગ પાણીની ટાંકીથી નવી ધરતી તરફ 60 ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ લાઇન થોડા દિવસો અગાઉ પણ લીકેજ થઈ હતી અને સમારકામ થયું હતું, પરંતુ હાલ ફરી લીકેજ થવાથી હજારો લિટર પીવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જાય છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ લીકેજ વિશે જાણે છે છતાં, મગરોના ઝુંડની હાજરીને કારણે સમારકામ કરી શકતા નથી. કર્મચારીઓ અને મજૂરો પાણીમાં ઉતરે છે, પરંતુ મગરો સામે આવતાં તેઓને કામ વગર પાછા ફરવું પડે છે.

આ લાઇન 7 ફૂટ ઊંડા પાણીની નીચે લીલથી ઢંકાયેલી છે, જેથી પાણીમાં ઉતર્યા વગર સમારકામ શક્ય નથી. પાલિકા હવે ટેમ્પરરી પુલ બાંધી પાણીનું વહેણ રોકી કામ કરવાનું આયોજન કરી રહી છે. આગાઉ પણ 20 દિવસ સુધી પાણીની લાઇન લીકેજ થઈ હતી અને સમારકામ ન થઈ શક્યું હતું. આવી સ્થિતિમાં ટેકનોલોજી અને સ્માર્ટ સિટીની વાતો કરતી કોર્પોરેશન મગરોના ઝુંડ સામે લાચાર બની છે અને હજારો નાગરિકો પાણીની સમસ્યાથી પરેશાન છે.

વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા અને તેમની હાજરી આવા મુદ્દાઓને વધુ જટિલ બનાવે છે. પાલિકા સમારકામ માટે નવી વ્યૂહરચના ઘડી રહી છે, પરંતુ એ સમય સુધી હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ અને લોકોની પરેશાની ચાલુ રહેશે.

Most Popular

To Top