લોકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો
લોકો બહારથી ટિફિન લાવવા મજબૂર બન્યા :
કોર્પોરેટરે મધ્યસ્થી કરી ઉગ્ર રજૂઆત કરતા ફરીથી ખાડા ખોદી કામગીરી શરૂ કરાવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક આવેલ લીમ્બચ ભુવન પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગેસ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો. બીજી તરફ આ સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે ભાજપના કાઉન્સિલરે અમી એપાર્ટમેન્ટ જર્જરિત બન્યું હોઈ પાણી ડ્રેનેજની લાઈનો ખલાસ થઈ ગઈ છે અને ગેસ લાઈન ખવાઈ ગઈ છે એટલે નવી ગેસ લાઈન નાખી રહ્યા હોવાનું કહી છટકી બારી કરી હતી.

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે લિંબચ ભવનથી લઇ ખાડિયા પોળ પોમલી બોર્ડ આજુબાજુના એપાર્ટમેન્ટને થઈને વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ગેસ પુરવઠો ખોટકાયો છે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે. આ અંગે ગેસ ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ યોગ્ય જવાબ નહીં મળતા આજે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈ સુર્વેને બોલાવતા તેમણે ગેસ વિભાગમાં ઉગ્ર રજૂઆત કરતા કામગીરી શરૂ કરાવી હતી.

સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત તારીખ 16 મીના રોજ સવારે છ વાગ્યાથી ગેસ બંધ છે. હજી સુધી ગેસ ચાલુ થયો નથી અમે ફરિયાદ કરીએ છીએ ફોન કરીએ છીએ તો કામ ચાલુ છે એવો જવાબ મળે છે ઓફિસોમાંથી, અહીંયા એમના માણસો કામ કરે છે કામ ચાલે છે. પરંતુ હજી ફોલ્ટ મળ્યો નથી. લીમ્બચ ભવનથી જઈને ખાડિયા પોળ પોમલી પોળ આજુબાજુના બધા એપાર્ટમેન્ટમાં મળીને લગભગ 300 ફેમિલી પરેશાન છે. બહારથી જમવાનું લાવવું પડે છે બહારથી ચા પાણી લાવવાની ફરજ પડી છે. મોટાભાગના એરિયામાં સિનિયર સિટીઝન રહે છે. એ લોકોને સવારે નાહવાનું ગરમ પાણી પણ નથી મળી શકતું એવી હાલત થઈ છે. કોઈને કહીએ તો કોઈ સાંભળતાજ નથી. અન્ય એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, ગેસ બંધ થઈ ગયો એટલે મેન ઓફિસ પર ફોન કર્યો હતો. તો તેઓએ ગાજરાવાડી ફોન કરો એટલે અમે ફરિયાદ લેતા નથી. ગાજરાવાડી ફરિયાદ લેશે, હવે ગાજરાવાડી ફોન કર્યો તો અમારે ત્યાં ગેસ બંધ છે તમે અમારી ફરિયાદ લખી લો તો કહે છે કે અમારી ત્યાં ફરિયાદ નોંધાતી નથી. એવા જવાબ આપે છે. જ્યારે ફોન કર્યો ફ્રી ટોલ નંબર પર ત્યારે એ લોકો અમારા માણસો કામ કરી રહ્યા છે કોઈ કહે છે કે ખંડેરાવ માર્કેટ કામ કરે છે, દાંડિયા બજાર કામ કરે છે. અરે પણ આ લીંબજ ભુવન નો ખાંચો આખો ખાડીઆપોળ પોમલી પોળ બધી લાઈન બંધ છે. ત્યાં દાંડિયા બજાર ને શું લેવા દેવા. તો પણ કહે છે કે તમારી ફરિયાદ ના લેવાય. આવા ઉંધા જવાબ આપી રહ્યા છે. અમે કેટલાય દિવસથી કંટાળી ગયા છે. આખરે કોંગ્રેસના કોર્પોરેટર બાળું ભાઈને ફોન કર્યો અને તેમને બોલાવ્યા હતા એ આવ્યા ત્યારે હવે ગેસવાળા દોડતા થયા છે. ત્રણ દિવસથી બહારથી ટિફિન મંગાવી રહ્યા છે. ખૂબ જ મુશ્કેલી થઈ ગઈ છે. અમને સવારનો ચા પાણી પણ ઘરનું નસીબ નથી થતું.