જમીનનું લેવેલિંગ બરાબર ન કરવાથી વરસાદી પાણી ખાળ સુધી ન પહોંચ્યું, લોકોના ટેક્સના પૈસા વ્યર્થ ગયા.

વડોદરા અટલાદરા ગાર્ડનમાં વરસાદી પાણીને જમીનના જળસ્તરમાં વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ખાળ કૂવો (રિચાર્જ પિટ) આજે નકામો સાબિત થઈ રહ્યો છે. ગઈકાલે પડેલા વરસાદમાં પણ ખાળ કૂવા સુધી પાણી પહોંચ્યું નથી, જે લોકોના ટેક્સના પૈસા ખર્ચીને કરવામાં આવેલા આવા મહત્વપૂર્ણ કામની અસરકારકતા પર મોટો પ્રશ્ન ચિહ્ન લગાવી રહ્યો છે.

સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ કાર્યકરોનો આક્ષેપ છે કે, જમીનનું લેવેલિંગ બરાબર ન કરવાથી ખાળ કૂવો માત્ર શોભના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે. આ સિવાય, કામ પર નજર રાખવા સંબંધિત અધિકારીઓની નિષ્કાળજી અને અણઆવડત ના કારણે આ જળ સંચય પ્રકલ્પનો ઉપયોગ ક્યારે સાચા અર્થમાં થતો નથી.
સ્થાનિક નાગરિકોનો ગુસ્સો વધી રહ્યો છે. તેમણે કહ્યું છે કે, “આવા મોટા પ્રકલ્પોમાં લોકોના પૈસા ખર્ચીને કામ કરવામાં આવે છે, પરંતુ કામની ગુણવત્તા અને યોગ્ય અમલીકરણની જવાબદારી કોઈ લેતું નથી. જેના કારણે જળ સંચય અને જળસ્તર વધારવાની યોજના નિષ્ફળ જાય છે.”
જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા દબાણ…
સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓે VMC પર દબાણ મૂક્યું છે કે, આવા પ્રકલ્પોની ગુણવત્તા અને અમલીકરણ પર યોગ્ય નજર રાખવી જોઈએ. આ સિવાય, જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા અને પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા માટે માંગ કરી છે.
શહેરના વિવિધ ભાગોમાં જળ સંચય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓમાં ખામીઓ…
આવી સમસ્યા ફક્ત અટલાદરા ગાર્ડન સુધી મર્યાદિત નથી, પરંતુ વડોદરા શહેરના વિવિધ ભાગોમાં જળ સંચય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત યોજનાઓમાં ગંભીર ખામીઓ જોવા મળે છે, જેનાથી શહેરના જળ સંરક્ષણ અને શહેરી વનસ્પતિની જરૂરિયાતો પર ગંભીર અસર પડી રહી છે.