Vadodara

વડોદરા : દિલ્હી-વડોદરા ફ્લાઈટનો સમય વારંવાર બદલાતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો

બે પાયલોટ નહીં હોવાનું જણાવી મુસાફરોને પ્લેનમાં બેસાડી રાખ્યા :

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની વિવિધ ફ્લાઈટોમાં પણ ખામી સર્જાવાની સમસ્યા સામે આવી રહી છે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

દિલ્હી-વડોદરા ફ્લાઈટમાં વારંવાર સમય બદલાતા વડોદરા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. બે પાયલોટ નહીં હોવાનું જણાવી મુસાફરોને પ્લેનમાં બેસાડી રાખ્યા હતા જ્યારે ફ્લાઇટ પણ નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી પહોંચી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની વિવિધ ફ્લાઈટમાં પણ હવે ખામી સર્જાઈ રહી છે. ફ્લાઈટ પણ સમયસર ઉડાન નહીં ભરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે, દિલ્હી વડોદરા ફ્લાઇટ નો સમય વારંવાર બદલાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરે જણાવ્યું હતું કે, ટેકનિશિયન આવ્યા હતા. કાર્યવાહી કરી પછી એવું જણાવ્યું કે આ પ્લેનને ફરીથી અમે ઉડાવીશું. પરંતુ આ ચેકિંગ કર્યા બાદ પ્લેન છોડીને તેઓ ચાલ્યા ગયા હતા. એના પછી પ્લેનમાં અમને બે કલાક સુધી બેસાડી રાખ્યા હતા. બહાર પણ નીકળવા ના દીધા, બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો હતો અમારો. ખરેખર આ લોકોએ આની માટે કઈ જોવું જોઈએ.

અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે, પહેલા આ લોકોએ કીધું કે ફ્લાઇટનું ટેમ્પરેચર હીટીંગ વધારે છે, કુલ ડાઉન નથી થઈ રહ્યું. એના કારણે સમય લાગી રહ્યો છે. પછી પાછું કીધું કે એમની પાસે પાયલોટ નથી. એના કારણે સમય લાગી રહ્યો છે. સવા આઠ પછી બોર્ડિંગ કરવાની શરૂઆત કરી આજ ફ્લાઈટ જે આગલા દિવસે પણ સેમ ફ્લાઇટ હતી. ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હીમાં લેન્ડ કરી દીધી હતી. અમારી સાથે એવા પણ ટ્રાવેલર્સ હતા જેઓ નાના બાળકો સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા. જેઓને ઘણી મુશ્કેલી પડી હતી. 24 કલાક દિલ્હી એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું.

નોંધનીય છે કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની અન્ય ફ્લાઈટમાં પણ ખામી સર્જાવાથી ઉડાન રદ કરવી પડે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ફ્લાઈટ પરત દિલ્હી બોલાવવાની ફરજ પડી હતી. દિલ્હી વડોદરાની શિડ્યુલ ફ્લાઈટનો સમય 6:25 વાગ્યાનો હતો. જે ટેકનીકલ કારણોથી 25 મિનિટ મોડી ઉપડી હતી. જોકે ફ્લાઈટ રાજસ્થાન બોર્ડર સુધી પહોંચ્યા બાદ લેન્ડિંગ ગેરમાં ખરાબી હોવાનું એનાઉન્સ કરતા ફ્લાઈટમાં સવાર યાત્રિકોના જીવ પડીકે બંધાયા હતા.

Most Popular

To Top