નવેમ્બર 2024થી અત્યાર સુધીમાં દવાના નામે અલગ અલગ તબક્કે રૂપિયાની માંગણી કરી
*દવા, નિદાન પાછળ ખર્ચ છતાં કોઇપણ પ્રકારનો ફર્ક ન પડતાં તથા યુનાની ચિકિત્સાના ડોક્ટર મળવા પણ ન આવતા સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 16
શહેરના સમા વિસ્તારમાં રહેતા અને પાવર ગ્રીડ કંપનીમાં ફરજ બજાવતા મેનેજરને સોરાયસીસ નામની બિમારી થી પરેશાન હતા તેઓને કંપનીના ગેટ પાસેથી એક ઇસમે યુનાની ચિકિત્સા પદ્ધતિથી આ રોગ જડમૂળથી મટી જતો હોવાની વાત કરી યુનાની ડોક્ટર સાથે પરિચય કરાવ્યો હતો. આ યુનાની ચિકિત્સાના તબીબે સોરાયસીસ બીમારીના શરીરમાંથી પ્રત્યેક કીડા કાઢી આપવા પેટે રૂ 3,000 લેખે સારવાર કરી નવેમ્બર -2024 થી અત્યાર સુધીમાં દવા, સારવાર ના કુલ 25,43,138 પડાવી લ ઇ વિશ્વાસઘાત કરતાં સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં બે ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સમા સાવલી રોડ પર પાવર ગ્રીડ નિકેતન સમા ખાતે ગૌરવ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા સ્થિત પાવર ગ્રીડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓને ઘણા સમયથી સોરાયસીસ ની બિમારી હોવાના કારણે શરીર પરથી ચામડી ઉતરી જવાની સમસ્યા સાથે સાથે શરીર પર દુખાવો રહ્યા કરે છે તેમણે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા છતાં કોઇ ફર્ક પડ્યો નથી.ગત નવેમ્બર 2024 માં ગૌરવભાઇ, તેમના પત્ની પ્રિયાશી દીકરીને કોચિંગ ક્લાસ થી લઈને ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન પાવર ગ્રીડ નિકેતનના ગેટ સામેથી એક ઇસમે સામેથી આવીને પોતાનું નામ રાજુભાઇ હોવાનું જણાવ્યું હતું તથા પોતાને પણ આ તકલીફ હોય યુનાની ચિકિત્સા પદ્ધતિથી ડો.વારસી પાસે નિદાન,દવા કરાવતા સંપૂર્ણપણે ઠીક થઇ ગયો હોવાનું જણાવતા ગૌરવભાઇ ડો.વારસી સાથે મુલાકાત માટે તૈયાર થઇ ગયા હતા અને મોબાઇલ નંબર મેળવી વાત કરતાં યુનાની ડોક્ટર વારસી ત્રણ ચાર દિવસમાં ઘરે આવી ગયા હતા અને ગૌરવભાઇના શરીરમાંથી કૂકણી પધ્ધતિ થી પિત જેવો રસ કાઢી તેમાંથી કીડો કાઢતા પરિવાર વિશ્વાસમાં આવી ગયું હતું જેથી ડો.વારસીએ પ્રત્યેક કીડા દીઠ રૂ.3,000 ચાર્જ જણાવતા પરિવાર તૈયાર થયો હતો આમ ઘણા કીડા બહાર કાઢી ડો.વારસીએ પ્રથમ રૂ.1,50,000 રોકડ લીધા હતા પછી અઠવાડિયા બાદ સારવાર કરી કુલ રૂ 10,50,000 ની રકમ બેંક ખાતામાં થી રૂ 9લાખ અને રૂ.1.5 લાખનો ચેક આપ્યો હતો ત્યારબાદ ફરી સારવાર કરી રૂ.3,30,000 ચેકથી પેમેન્ટ લીધું હતું અને દવા આપવા માટે મોકલેલ માણસે રૂ 4,92,000 દવાના ખર્ચ પેટે માંગતા દંપતીએ ચેકથી પેમેન્ટ કર્યું હતું ત્યારબાદ પણ ગૌરવભાઇને કોઇ સુધારો ન જણાતાં ડો. વારસીએ દવા બદલવાની વાત કરી નાગરવાડા વિસ્તારમાં આવેલા બી.એ.ફતેહ અલી ખાન એન્ડ સન્સ ની દુકાને વાત કરીને દવા પેટે અલગ અલગ દિવસે ઓનલાઇન કુલ રૂ 5,21,138 ની દવા ખરીદી કરાવી હતી આમ કુલ રૂ 25,43,138 મેળવી લીધા છતાં ફર્ક ન પડતાં ડો.વારસીને ફોન કરતાં તેણે આવવા અને મળવાનું ટાળી બહાનું કાઢતા સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં ડો.વારસી તથા તેની મદદગારી કરનાર વિરુદ્ધ વિશ્વાસઘાત ની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.