National

ઇઝરાયલી હુમલામાં ઈરાનમાં અભ્યાસ કરતા 2 ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ, ભારતે પરત લાવવાની તૈયારી શરૂ કરી

ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓની સલામતી પર અસર પડી છે. તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ નજીક થયેલા હુમલામાં જમ્મુ અને કાશ્મીરના બે ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમની હાલત સ્થિર છે.હાલ તેમને તેહરાનથી રામસર શહેર ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ Israel Iran Tension ફરી એકવાર વૈશ્વિક સ્તરે હેડલાઇન્સમાં આવ્યો છે. હવે સામાન્ય લોકો પણ આ સંઘર્ષની ઝપેટમાં આવી ગયા છે. આ તણાવ હવે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને પણ અસર કરી રહ્યું છે.

ગઈકાલે તા.15જૂન 2025ના રાત્રે, તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના હોસ્ટેલ પાસે હુમલો થયો હતો. આ હુમલામાં બે ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ બંને વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે.

જોકે, બંને વિદ્યાર્થીઓની હાલત હવે સ્થિર છે. યુનિવર્સિટી પ્રશાસને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને તેહરાનથી રામસર શહેર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી ઈરાનમાં અભ્યાસ કરતા તમામ ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય એમ્બેસી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેથી આ ઘટનાના કારણો અને જવાબદાર લોકો શોધી શકાય.

ભારતીય નાગરિકોને બહાર કાઢવાની તૈયારી શરૂ:
ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવા જઈ રહી છે. ઈરાની સરકારે કહ્યું છે કે તેઓ ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને સુરક્ષિત રીતે તેમના દેશમાં પરત મોકલશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદો દ્વારા બહાર કાઢવામાં આવશે.

Most Popular

To Top