ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 અને મેડિકલ હોસ્ટેલની મેસમાં 29 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત જ્યાં પ્લેન ક્રેશ થયું તેની આસપાસના વિસ્તારોમાં પણ કેટલાંક લોકો આ દુર્ઘટનાના ભોગ બન્યા હતા. મોટા ભાગના લોકોના શરીર ભસ્મીભૂત થયા હોય હજુ સુધી એ નક્કી થઈ શક્યું નથી આ દુર્ઘટનામાં અન્ય અજાણ્યા કેટલાં લોકોના મોત થયા હોય. હવે આ સમગ્ર મામલામાં એક નવો ખુલાસો થયો છે.
અમદાવાદ સ્થિત એક પ્રોડ્ક્યુસર- ડિરેકટર ઘટનાના દિવસથી ગાયબ છે. તેઓના મોબાઈલનું છેલ્લું લોકેશન પ્લેન ક્રેશ પાસે હોવાનું જાણવા મળ્યું છે, તેમના મોબાઇલ ફોનનું લોકેશન છેલ્લે એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનાથી માત્ર 700 મીટર દૂર મળી આવ્યું હતું. ત્યારે હવે પ્રોડ્યુસરના પરિવારે અમદાવાદ સિવિલમાં ડીએનએ સેમ્પલ સબમીટ કરાવી તપાસની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.12જૂન 2025ના રોજ ગુરુવારે બપોરે 1:39 વાગ્યે અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ટેક્ ઓફ થયાના થોડા સમય પછી વિમાન મેઘાણીનગર સ્થિત મેડિકલ કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું હતું , જેમાં 242 મુસાફરોમાંથી 241 અને જમીન પર રહેલા 29 લોકોના મોત થયા હતા.
પ્રોડ્યુસરની પત્ની હેતલ કાલાવડિયાએ કહ્યું કે હું પતિ મહેશ કાલાવડિયા ઉર્ફે મહેશ જીરાવાલા સાથે નરોડામાં રહું છં. મારા પતિ મહેશ કાલાવડિયા મ્યુઝિક આલ્બમનું નિર્દેશન કરે છે. તે દિવસે તેઓ બપોરે લો ગાર્ડન વિસ્તારમાં કોઈને મળવા ગયા હતા. મારા પતિએ મને બપોરે 1.14 વાગ્યે ફોન કરીને જણાવ્યું કે તેમની મીટિંગ પૂરી થઈ ગઈ છે અને તેઓ પરત ઘરે જઈ રહ્યા છે. જોકે, જ્યારે લાંબા સમય સુધી તેઓ પરત ન ફર્યા ત્યારે મેં તેમને ફોન કર્યો પરંતુ તે સ્વીચ ઓફ આવતો હતો. આથી આ મામલે પોલીસને જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન અકસ્માત સ્થળથી 700 મીટર દૂર હતું.
હેતલ કાલાવડિયાએ વધુમાં કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટ ટેક્ઓફ થયાના એક મિનિટ પછી અકસ્માત ગ્રસ્ત થઈ હતી અને તે જ સમય બપોરે 1:40 વાગ્યાથી મારા પતિનો ફોન બંધ થઈ ગયો છે. તેમનું સ્કૂટર અને મોબાઇલ ફોન ગુમ છે. આ બધું અસામાન્ય છે કારણ કે તેઓ ઘરે આવવા માટે ક્યારેય તે રૂટનો ઉપયોગ કરતા નથી. અમે ડીએનએ સેમ્પલ સબમિટ કર્યા છે. જેથી તે તપાસ કરી શકાય કે શું તેઓ પ્લેન ક્રેશના ભોગ તો બન્યા છે?
ઉલ્લેખનીય છે કે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અનેક લોકોના મૃતદેહો ઓળખી ન શકાય તે રીતે બળી ગયા હતા. અધિકારીઓ ભયાનક દુર્ઘટનાના ભોગ બનેલા લોકોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ પરીક્ષણો કરી રહ્યા છે.