Comments

‘નો બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય ડાઈંગ ફોર હીઝ કન્ટ્રી’

ઉપરના શબ્દોને ઇઝરાયલની જંગલિયત બાબત કોઈ શંકા રાખ્યા વગર સાચા માનવા પડે. ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં નિર્દયતાની ચરમ સીમા વટાવી જાય એવો નરસંહાર કર્યો. આરબ દેશોએ તો ત્યાં સુધીનો આક્ષેપ કર્યો છે કે ઇઝરાયલ ભૂખમરાનો ગાઝામાં હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સને માનીએ તો ૨૩ લાખ લોકો ગાઝાપટ્ટીમાં ભયંકર ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે.

યુએનના કહેવા મુજબ ગાઝાપટ્ટીમાં રહેતી વસ્તી રાહત સામગ્રી રોકીને ભૂખે મારી નાખવાની. તાજેતરના ઇતિહાસની સૌથી ભયંકર હેવાનિયતનો સામનો કરી રહી છે. ગાઝા દુનિયામાં સૌથી વિકરાળ ભૂખમરાનો સામનો કરતી જગ્યા બની છે. અહીં રહેતાં લોકો રિબાઈ રિબાઈને દમ તોડી રહ્યાં છે. તાજેતરમાં જ રફાહ ખાતે રાહત સામગ્રી લેવા ભેગા થયેલાં લોકો ઉપર ફાયરિંગને કારણે ૩૨ મૃત્યુ થયાં. અગાઉ દક્ષિણ ગાઝા ખાતે રાહત સામગ્રી લેવા એકઠી થયેલી ભીડમાં ભાગદોડ મચી જતાં ૭૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

૭ ઑક્ટોબર, ૨૦૨૩ના દિવસે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો તેમાં ૧૧૩૯ લોકો માર્યા ગયાં હતાં અને ૨૦૦ જેટલાં લોકોને કેદ પકડવામાં આવ્યાં હતાં. જ્યારે ગાઝામાં ઇઝરાયલ સાથેના યુદ્ધને કારણે ઓછામાં ઓછા ૫૪,૩૮૧ પેલેસ્ટાલિયન માર્યા ગયાં છે અને ૧,૨૪,૦૫૪ ઘવાયેલ છે એવું ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે. જો કે, સરકારની મિડિયા ઑફિસે માર્યા ગયેલાંઓની સંખ્યા ૬૧,૭૦૦ કહી છે. એમનું કહેવું છે કે હજારો લોકો બૉમ્બમારો કે તોપમારાના ભંગારોના કાટમાળ હેઠળ દટાયેલાં પડ્યાં છે અને એમને મૃતક જ માની લેવાં જોઈએ, કારણ કે આટલા લાંબા સમય બાદ આમાંથી કોઈ જીવતું બચ્યું હોય એવી શક્યતા નહિવત્ છે.

ઉપરની હકીકતો જોતાં સમજી શકાશે કે ૨૩ લાખ લોકો એટલે કે સમગ્ર ગાઝાની કુલ વસતી ભૂખમરાને કારણે પ્રતિ ક્ષણ નજદીક આવી રહેલા મોતનો સામનો કરી રહી છે. શત્રુનું બળાબળ જોયા વગર આંધળુકિયાં કરી ઝનૂનમાં યુદ્ધના મેદાનમાં કૂદી પડનારનું શું થાય એનું આ એક આદર્શ ઉદાહરણ છે. યાદ આવે છે બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ ઉપર ફિલ્મીકરણ થયેલ એક ચલચિત્ર ‘પેટન’. આ ચલચિત્રનો કર્ટેનરેઇઝર એટલે કે નાટકનો પડદો ઊઠે તે સમયનો ડાયલોગ કહે છે,‘નો બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર, બાય ડાઈંગ ફોર હીસ કન્ટ્રી. વન કેન વીન ધ વોર, બાય મેકીંગ અધર્સ ડાય ફોર હીઝ કન્ટ્રી.’ ભાવાર્થ થાય : કોઈ બેવકૂફ પોતાના દેશ માટે પોતાનું બલિદાન આપીને યુદ્ધ જીતી શકતો નથી. યુદ્ધ જીતવું હોય તો શત્રુનું બલિદાન પોતાના દેશ માટે લેવું પડે છે. યુદ્ધ શું છે તે સમજ્યા વગર માત્ર ઉન્માદમાં, એના મેદાનમાં કૂદી પડનાર માટે આથી મોટી બીજી કોઈ સલાહ હોઈ શકે?

જનરલ પેટનના મોંમાં મૂકાયેલા શબ્દો પાછળનું ગાંભીર્ય તો જ સમજાય જો આપણે એ સમજવાની તસ્દી લઈએ. દેશ માટે બલિદાન આપવું અને શહીદી વહોરવી એ જીવનની ધન્ય પળ છે પણ એ માર્ગે મોગલો ભારતમાં આવી શકે, ગઝની સોમનાથ લૂંટી શકે, પ્લાસીના યુદ્ધ થકી અંગ્રેજો પગપેસારો કરી શકે પણ પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી લેવા નીકળેલા જૂનાગઢના નવાબને તો પરાસ્ત જ કરવો પડે. ‘દીવ, દમણ ને ગોવા, ફિરંગી બેઠા રોવા’એ સૂત્ર તો જ સાકાર બને જો ભારતીય સશસ્ત્ર દળો દુશ્મનોનાં માથાં વધેરે.હૈદરાબાદના નિઝામ સમજાવવાથી માને ખરા? આમ, પોતાના દેશહિત ખાતર શત્રુને હણવાની ક્ષમતા ન હોય તો તમે સાચા અર્થમાં દેશના પ્રહરી બની દેશસેવા કરતા નથી અને અંતે ગુલામીમાં સપડાવ છો, તેવું ઇતિહાસ કહે છે. જો કે ‘ઇતિહાસનો મોટામાં મોટો બોધપાઠ એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી!’
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top