ઇજાગ્રસ્ત વૃદ્ધ ને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 14
શહેરના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વાઘોડિયા બ્રિજ થી આજવા બ્રિજ તરફના માર્ગે ચાલતા જતા વૃદ્ધ ને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આજવા વાઘોડિયા રોડ પર આવેલા એલ એન્ડ ટી નોલેજ સિટી ની બાજુમાં તક્ષ ઔરા રેસિડેનન્સીમા મૂળ વેરાવળના વતની દિપ્તીનભાઇ સુભાષભાઇ પ્રાગડા પોતાના પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.ગત તા.20-06-2025 ના રોજ સાંજે આશરે સાતેક વાગ્યે તેમના પિતા સુભાષભાઈ લખમણભાઇ પ્રાગડા ઉ.વ.62વાઘોડિયા ચોકડી થી આજવા બ્રિજ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર મેકડોનાલ્ડ્સ પાસે ચાલતા જતા હતા તે દરમિયાન મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એન ડી -3184 ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમને અડફેટે લેતાં સુભાષભાઈ ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને 108 મારફતે એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.