Vadodara

સમા -સાવલીરોડ પાસે સાંજે લોકો એક કલાકથી ટ્રાફિકમા ફસાયા

ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ

બ્રિજની કામગીરી ને કારણે એક તરફનો માર્ગ બંધ છતાં ટ્રાફિક પોલીસ અને સમા પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતાં સમસ્યા કાયમી બને તેવી શક્યતા

( પ્રતિનિધિ) વડોદરા તા.14

શહેરના સમા સાવલી રોડ પર શનિવારે સાંજના સુમારે એક કલાકથી શહેરીજનો ભારે ટ્રાફિક જામમાં અટવાયા હતા. સમા -સાવલીરોડ પાસે શનિવારે સમા પોલીસ અને ટ્રાફિક પોલીસની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એમ્બ્યુલન્સ પણ ટ્રાફીકમાં ફસાઈ હતી.


શહેરના સમા -સાવલી રોડ ખાતે બ્રિજની કામગીરી ચાલી રહી છે જે કામગીરી પૂર્ણ થતાં સમય લાગશે. જેના કારણે એક તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને એક જ તરફના માર્ગે વાહનોની અવરજવર ચાલુ હોય છે. અહીં સવારે અને સાંજના સુમારે નોકરિયાત વર્ગ અને કંપનીના કર્મચારીઓ ઓફિસ અને કંપનીમાથી આવવા અને જવા માટે નિકળતાં હોય છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. સમા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સુચારુ રીતે ચાલે,કોઇ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ સંભાળવાની જવાબદારી હોય છે છતાં શનિવારે સાંજના સુમારે અહીં સમા પોલીસ અને ટ્રાફિક પોલીસની કોઇપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો એક કલાકથી વધુ ટ્રાફિક જામમાં ફસાયા હતા.

સમા એબેક્સ સર્કલ પાસે વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી. જેના કારણે સ્થાનિકોને પણ પોતાના રહેણાંક સ્થળે જવા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ બ્રિજની કામગીરી ને હજી લાંબો સમય જાય તેમ છે. ત્યારે જો આ હાલત અત્યારે છે ત્યારે બે ચાર દિવસમાં ચોમાસું આવી જશે ત્યારે અહીં પરિસ્થિતિ કયા પ્રકારની બનશે તેની ભીતિ સ્થાનિકો અને વાહનદારીઓને સતાવી રહી છે. ટ્રાફિક પોલીસ તથા સમા પોલીસ દ્વારા અહીં ટ્રાફિક જામ ન સર્જાય,કોઇ અકસ્માત ન થાય અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

શહેરમાં કોઇ રાજકીય નેતાનું આગમન થવાનું હોય ત્યારે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ જે રીતે વાહનોની અવરજવર માટે વ્યવસ્થા કરી દે છે તે રીતે આમ નાગરિકો માટે ચિંતિત શા માટે નથી? ચોમાસામાં અને આગળ કામગીરી ચાલશે ત્યાં સુધી શું શહેરીજનોને દરરોજ આ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે? અહીં શનિવારે એટલો ટ્રાફિક જામ સર્જાયો હતો કે કોઇ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અથવાતો ફાયરબ્રિગેડ ના વાહનોને નિકળવું પણ મુશ્કેલ બની જાય છતાં આ અંગે શહેર ટ્રાફિક પોલીસ અને સમા પોલીસ અજાણ હોય તેમ આંખ આડા કાન કરતાં જણાયાં હતાં જેના પરિણામે સ્થાનિકોએ જાતે જ રાહ જોઇ પોતાનો વારો આવે ત્યારે ધીમે ધીમે આગળ વધવું પડ્યું હતું.

Most Popular

To Top