Gujarat

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજય રૂપાણીને રાજકોટની શ્રદ્ધાંજલિ, બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

વિજય રૂપાણીના પુત્ર રુષભ રૂપાણી તા.14જૂન 2025નાં રોજ આજે શનિવારે અમદાવાદ પહોચ્યાં.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે તા.14જૂન 2025નાં રોજ રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી. તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખ્યું.

રૂપાણીના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન: વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

શાળાઓ-વેપાર-ઉદ્યોગ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેમના સન્માનમાં આજે તા.14જૂન 2025નાં રોજ શનિવારે રાજકોટના વેપાર-ઉદ્યોગ અને ખાનગી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિજય રૂપાણી, જેઓ પોતે વ્યવસાયે વેપારી હતા, તેમણે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વેપાર અને ઉદ્યોગોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના યોગદાનને યાદ કરીને રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રાજકોટ શહેરની 650થી વધુ ખાનગી શાળાઓ,શિક્ષણ સમિતિની 90 જેટલી સરકારી શાળાઓ અને શહેરની બે સરકારી શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.

વિજય રૂપાણીની અંતિમ યાત્રા નિવાસસ્થાનેથી શરૂ કરી રામનાથ પરા સ્મશાન ગૃહ જશે.

અંતિમ યાત્રાનો રૂટ:

  • નિર્મલા રોડથી કોટેચા ચોક
  • કોટેચા ચોકથી કાલાવડ રોડ અંડરબ્રિજ
  • કાલાવડ રોડ અંડરબ્રિજથી એસ્ટ્રોન ચોક
  • એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ
  • યાજ્ઞિક રોડથી ડીએચ કોલેજ
  • ડીએચ કોલેજથી માલવિયા ચોક
  • માલવિયા ચોકથી કોર્પોરેશન ચોક
  • કોર્પોરેશન ચોકથી સાંગણવા ચોક
  • સાંગણવા ચોકથી રાજેશ્રી સિનેમા
  • રાજેશ્રી સિનેમાથી રામનાથ પરા સ્મશાન ગૃહ

Most Popular

To Top