uncategorized

માતૃભાષા એટલે સપનામાં આવતી ભાષા! પોતાની ભાષા ખોવી એટલે સ્વમાન ખોવું!

માતૃભાષા એટલે સપનામાં આવતી ભાષા! વિદેશમાં જઇને વસીએ કે અંગ્રેજી માધ્યમમાં ભણીએ, પણ ઉંધમાં સપનું આવે એ માતૃભાષામાં જ આવે. હાલ શહેરમાં અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટ્યા છે પણ શહેરમાં હજી એવા લોકો વસે છે જેઓ પોતાની માતૃભાષાનું જતન કરી રહ્યા છે. પોતાની ભાષા ખોવી એટલે સ્વમાન ખોવું!

એક અંદાજીત આંકડા પ્રમાણે સુરત શહેરમાં 10 લાખથી વધારે બેંગાલી, મલિયાલમ, ઉડિયા, મારવાડી અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો વસે છે. આ તમામ લોકોએ પોતાની માતૃભાષાને આજે પણ સાચવી રાખી છે. કોઈ પરિવાર નોકરીના કારણે તો કોઈ અન્ય કારણોસર ભારતના અન્ય રાજ્યોમાંથી સુરતમાં આવીને વસ્યા છે. સુરતના સુરતી કલ્ચર વચ્ચે પણ આ પરિવારોએ શહેરમાં પોતાની સંસ્થાઓ સ્થાપી છે અને પોતાના કલ્ચર, સંસ્કૃતિ અને ભાષાનું જતન કરીને પોતાની આવનારી પેઢીને માતૃભાષાનું જ્ઞાન આપી રહ્યા છે. બાળકોની સ્કુલ ભલે ઈંગ્લિશ મિડીયમમાં હોય પણ ઘરે વાત તો માતૃભાષામાં જ કરવાની..! 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ છે ત્યારે અમે શહેરના એવા પરિવારો સાથે વાત કરી કે જેમણે અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતી, હીન્દી અને અંગ્રેજી શિખ્યા છતાં પણ પોતાની માતૃભાષાને પોતાની મા ની જેમ સાચવી રાખી છે.

રમા દેવી

રમાદેવી અને તેમનો પરિવાર સુરતમાં રહીને પણ પોતાની માતૃભાષાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમના બંને બાળકો અંગ્રેજી મિડીયમમાં અભ્યાસ કરે છે પણ તેમણે ધોરણ 7 સુધી તેમને શાળામાં ફરજિયાત ઉડિયા ભાષાનું જ્ઞાન મળે તે રીતે અભ્યાસ કરાવ્યો હતો. તેઓ ધંધા અર્થે ઓરિસ્સાથી અહીં આવીને વસ્યા છે. સુરતના ભેસ્તાન અને પાંડેસરામાં આવેલી શાળાઓમાં ધોરણ 7 સુધી વિદ્યાર્થીઓને અન્ય ભાષાઓની સાથે ઉડિયા ભાષા પણ શિખવવામાં આવે છે. સુરતમાં તેમનું ઉડિયા વેલફેપ એસોશિએશન પણ આવેલું છે, જેમાં ઉડિયા ભાષામાં જ સ્નેહમિલન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. રમાદેવીએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં આજે પણ અમે ઉડિયા ભાષામાં જ વાત કરીએ છીએ. અમારી ભાષાના ક્લાસિકલ સોંગ અને વોકલ ખૂબ પ્રખ્યાત છે જે અમે દરરોજ સાંભળીયે છીએ, જેથી અણારા બાળકો પણ માતૃભાષાથી વંચિત ન રહે. અમારા ઘરમાં દરરોજ સવાર અને સાંજ બે કલાક ઉડિયા ન્યુઝ ચેનલ પર આવતા સમાચાર અમે ફરજિયાત સાંભળીયે છીએ અને બાળકોને પણ સંભળાવીએ છીએ.

ડો. સર્વાનન

ડો. સર્વાનન તામિલથી બિલોન્ગ કરે છે અને તેઓ બિઝનેસ અર્થે સુરત આવ્યા હતા. અહીં તેમને ગુજરાતી છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે પ્રેમ લગ્ન કરી લીધા. તેઓ વર્ષોથી તામિલનાડુમાં રહ્યા હોવા છતા ખૂબ સારી રીતે ગુજરાતી ભાષા વાંચી અને સમજી શકે છે. આ છતા પણ તેમણે પોતાની તામિલ માતૃભાષાને સાચવીને રાખી છે. તેઓ ઘરમાં તામિલ અને ગુજરાતી બંને ભાષામાં વાત કરે છે. ડો. સર્વાનને જણાવ્યું હતું કે મારો દિકરો ધોરણ 8 માં ઈંગ્લિશ મિડીયમમાં અભ્યાસ કરે છે તે છતા પણ અમે તેને તમિલ ભાષા શિખવીએ છીએ. હું તેને મારી સાથે તમિલના મુવી જોવા પણ લઈ જાંઉ છું. મારી પત્ની ગુજરાતી હોવા છતા તેણે તમિલ ભાષાની શિક્ષા લીધી છે. અમે ઘરમાં એકબીજા સાથે માતૃભાષામાં જ કોમ્યુનિકેશન કરીએ છીએ. સુરતમાં અમારી તામિલ કોમ્યુનિટીના લોકોની એક મંડળી ચાલે છે. અમે અહીં અમારું ન્યૂ યર પણ ઉજવીએ છીએ. ગુજરાતમાં રહીને પણ અમે અમારી માતૃભાષાને જાળવી રાખી છે.

ગાર્ગી રોય

ગાર્ગી રોય બેંગોલથી બિલોન્ગ કરે છે. તેમના પતિની જોબ સુરત હોવાથી તેઓ સહ પરિવાર સાથે સુરતમાં વસવાટ અર્થે આવ્યા હતા. તેઓ ડાઈટિશિયન છે અને તેમને પાંચ વર્ષની એક દિકરી છે. તેમણે પોતાની માતૃભાષા બેંગોલીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે અમે અમારી દિકરીને નર્સરીમાં મુકી ત્યારથી જ તેને એબીસીડીની જગ્યાએ બેંગોલી ભાષામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. ગાર્ગી રોયે જણાવ્યું હતું કે હું જ્યારે શરૂઆતમાં સુરત આવી ત્યારે મને ગુજરાતી સમજાતી નહોતી અને બોલવામાં પણ બહું તકલીફ થતી હતી. પણ ધીમે ધીમે ગુજરાતી ભાષા આવી ગઈ. મને લિટરેચરનો ખૂબ શોખ હોવાથી હું રોજ બેંગોલી લિટરેચર વાંચું છું. અમારા ઘરે બેંગોલીમાં યુટ્યુબ પર રોમેન્ટીક સોંગ વાગતા હોય છે. અમે છેલ્લા 8 વર્ષથી સુરતમાં વસવાટ કરીએ છીએ પણ અમારી માતૃભાષાની અમે જાળવણી કરી રહ્યા છીએ. ઘરે અમે હજી પણ બેંગોલીમાં જ વાત કરીએ છીએ. અમને અમારી ભાષા પર ખૂબ ગર્વ છે .

રાહુલ નાયર

રાહુલ કેરલાથી બિલોન્ગ કરે છે. તેમના પિતા ધંધા અર્થે સુરતમાં આવીને વસ્યા હતા. રાહુલનો જન્મ પણ સુરતમાં જ થયો હતો. તેમની માતૃભાષા મલિયાલમ છે. તેમણે જણાવ્યું હતું કે મેં મલિયાલમ ભાષાનું ોકઈ પણ પ્રકારનું નોલેજ લીધું નથી. માતૃભાષા માતાએ આપેલી ભાષા છે, તેને શિખવી પડતી નથી. સપનાઓ હોય કે લાગણીઓ હોય, તેને માત્ર માતૃભાષામાં જ વ્યક્ત કરી શકાય છે. મારા બાળપણથી જ પિતાજીએ ઘરમાં મલયાલમ ભાષાનું જ વાતાવરણ બનાવ્યું છે. અમારા ઘરમાં બધા જ એજ્યુકેટેડ છે અને છેલ્લા 35 વર્ષથી અમે સુરતમાં વસવાટ કરીએ છીએ પણ આજે ઘરમાં કોઈ સગા સબંધી આવે કે અણે કોઈ પ્રસંગમાં જઈએ અેકબીજા સાથે અમે મલિયાલમ ભાષામાં જ વાતો કરીએ છીએ. મને મલિયાસમ ફિલ્મો ખૂબ ગમે છે. મલિયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભારતની સૌથી મોટી ઈન્ડસ્ટ્રી છે. હું મલયાલમના એક પણ મુવી જોવાનું ચૂંકતો નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top