18 જૂને સયાજીરાવ સભાગૃહમાં વડોદરા મહાપાલિકાની સામાન્ય સભા યોજશ
એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજના 2025-26ની અંતિમ મુદત વધારીને 15 જૂન 2025 સુધી લંબાવવા અંગે નિર્ણય લેવાશે
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. 18 જૂન 2025ના બુધવારે સાંજે 5 વાગ્યે સયાજીરાવ સભાગૃહ ખાતે યોજાવાની છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ભલામણોની આધારે વિવિધ શહેરી મુદ્દાઓ અને આગામી વિકાસ કાર્યોને લઇ મહત્વના નિર્ણયો લેવામાં આવશે. સભાના કાર્યક્રમમાં ગત સભાના નિર્ણયોને મંજુરી આપવાની સાથે મુલતવી પ્રશ્નો અને કામોને રજૂ કરવામાં આવશે. જેમાં સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોત્રી સ્થિત સહકાર વિદ્યાલયને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સામેલ કરવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. બ્રિજ શાખાના હેડ કાર્યપાલક ઇજનેર રવિન્દ્રકુમાર પંડયાની સ્વૈચ્છિક નિવૃત્તીની અરજી પર મંજુરીનો નિર્ણય પણ આગામી સામાન્ય સભામાં લેવામાં આવશે. શ્રમિક કલ્યાણ યોજના અંતર્ગત વડોદરામાં કુલ 10 હજાર પ્રીફેબ્રીકેટેડ શ્રમિક બસેરા આવાસોની રચના માટે 10 પ્લોટ રૂ.1/- ના ટોકન ભાડે રાજ્ય સરકારને ફાળવી આપવાની દરખાસ્ત મંજૂરી માટે આવશે. એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજના 2025-26ની અંતિમ મુદત વધારીને 15 જૂન 2025 સુધી લંબાવવાની મંજૂરી અંગેનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાશે.
વધુમાં, નિષ્ફળ નિવળેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ખરીદાયેલા સફાઈ મશીનરીના ઓપરેશન અને મેંટેન્સ માટે નવી રીતે બજેટ હેડ ફાળવી કામગીરી કરવાની ભલામણ પણ મંજૂરી માટે રજૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વડોદરા શહેરમાં નિષ્ફળ જતા હવે સ્માર્ટ સિટી અંતર્ગત ખરીદાયેલા સાધનોની નિભાવણી હવે પાલિકાને માથે નાખવા માટે આ કામ સભામાં મંજૂરી માટે લાવવામાં આવ્યું છે. પાલિકાના તાજેતરના બજેટમાં પણ આ માટે કોઈ અલગથી બજેટ ફાળવવામાં આવ્યું નથી. ત્યારે આ બજેટનું વધારાનું ભારણ પણ પાલિકાની તિજોરી પર પડશે. સાથે જ માણેજા વિસ્તારમાં ABB કંપનીના વિસ્તારમાંથી પસાર થનારા 30 મીટર રોડના અમલીકરણને રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.