આશરે ૫૦ જેટલા ગામોને જોડતો બેટાવાડા નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી બંધ છે,જેના કારણે સ્થાનિક લોકોએ
ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
કપડવંજ: કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા સદસ્ય અનંતભાઈ પટેલે ખેડા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે કપડવંજ તાલુકાના આશરે ૫૦ જેટલા ગામોને જોડતો બેટાવાડા નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી બંધ છે,જેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

આ પુલ દ્વારા ગ્રામ્ય પ્રજાની શિક્ષણ,આરોગ્ય, રોજગાર અને વેપાર સંબંધિત અવર જવરમાં સતત વિઘ્ન ઊભું થયું છે.હાલની પરિસ્થિતિમાં લોકોને લાંબા ડાયવર્સન લેવા પડે છે,જેના કારણે સમય,પૈસા અને માનસિક તણાવ સતત વધતો જાય છે.વિશેષ કરીને આગામી ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે.જેથી રોગી કે ગર્ભવતી સ્ત્રીઓ માટે સમયસર હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે.અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ ઠોસ પગલાં લેવાયા નથી જે અત્યંત ખેદજનક છે.
આથી તેમણે અનુરોધ કર્યો છે કે બેટાવાડા નદી ઉપર નવા પુલના બાંધકામ માટે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને આ કામ માટે નિર્ધારિત સમય મર્યાદા નક્કી કરવામાં આવે અને શક્ય તેટલી ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે. જો જરૂરી હોય તો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ સહાય મેળવવા માટે ત પ્રયત્ન કરવામાં આવે. બેટાવાડાની આસપાસના સ્થાનિકો તથા ખેડૂતજનોના હિતમાં તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા પણ અનુરોધ કર્યો છે.
આ અંગે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલભાઈ કિશોરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડર હાલ મંજૂરીમાં છે મંજૂરી મળે વર્ક ઓર્ડર અપાય અને કામ શરૂ થાય ટેન્ડર ની મંજૂરી આવે પછી આગળની પ્રક્રિયા પૂરી કરી કામ શરૂ કરવામાં આવશે