આણંદ – વિદ્યાનગર રોડ પરના આઈસ્ક્રીમ પાર્લર પર બનેલી ઘટના પોલીસ મથકે પહોંચી


(પ્રતિનિધિ) આણંદ તા.10
આણંદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ જાહેર રસ્તા પર આવી ગયો છે. ભરતસિંહની સ્ત્રી મિત્ર રાત્રિના સમયે આણંદ – વિદ્યાનગર રોડ પર આવેલા આઈસ્ક્રિમ પાર્લર પર હતી તે સમયે અચાનક જ ભરતસિંહના પત્ની ધસી આવ્યાં હતાં અને તેને બોલવા લાગ્યાં હતાં. આથી વાતાવરણ ગરમ બનતાં તાત્કાલિક ભરતસિંહને જાણ કરી હતી. જેથી તેઓએ પોલીસ મથકે જવા સલાહ આપી હતી. જ્યાં સ્ત્રિ મિત્રએ ભરતસિંહના પત્ની સામે અરજી આપી હતી જેના પગલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદના પૂર્વ સાંસદ અને કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા ભરતસિંહ સોલંકીના સ્ત્રી મિત્રને લઇ વારંવાર વિવાદ થઇ રહ્યાં છે. અગાઉ ભરતસિંહના પત્ની રેશ્માબહેને તેમના ટેકેદારો સાથે સ્ત્રી મિત્રના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો. જોકે, ફરી એક વખત આ મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આણંદ – વિદ્યાનગર રોડ પર આવેલા આઈસ્ક્રીમ પાર્લર સ્ત્રી મિત્ર રાત્રિના સમયે હતાં, તે સમયે અચાનક રેશ્માબહેન ત્યાં ધસી આવ્યાં હતાં અને જાહેરમાં જ ઉધડો લેવાની શરૂઆત કરી હતી. આશરે પાંચેક મિનિટ ચાલેલા આ હાઈડ્રામા અંગે સ્ત્રી મિત્રએ ભરતસિંહ સોલંકીને જાણ કરતાં તેઓએ આણંદ શહેર પોલીસ મથકે જવા જણવ્યું હતું. જેથી તે તાત્કાલિક પોલીસ મથકે ગયાં હતા. જ્યાં પાછળ પાછળ ભરતસિંહ સોલંકી પણ પહોંચ્યાં હતાં અને તેઓએ રેશ્માબહેન સામે અરજી આપી હતી. જોકે, આ અંગે પોલીસે હાલ અરજી આધારે નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ આગળની કાર્યવાહી કરાશે.
ભરતસિંહને અનેક સાથે સંબંધ હોવાનો લેટરબોમ્બ ફોડ્યો હતો
ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્માબહેન વચ્ચે ચાલી રહેલો અણબનાવ હવે છાનો રહ્યો નથી. અગાઉ મિલકતને લઇ રેશ્માબહેને નોટિસ ફટકારી હતી. બાદમાં રેશ્માબહેને કોંગ્રેસના હાઈકમાન્ડમાં એક પત્ર લખીને ભરતસિંહ સામે ગંભીર આક્ષેપ કર્યાં હતાં. જેમાં તેઓ કોંગ્રેસની કેટલીય મહિલાઓ સાથે સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો. આ તમામ સ્ત્રીઓને રાત્રે બિભત્સ મેસેજ કરતાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ અંગે તપાસની માગણી પણ કરી હતી.