પાલિકા દ્વારા નવી લાઇન નાંખવા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય પુરાણ ન કરાતા ડ્રેનેજના દુષિત પાણી વિસ્તારમાં રેલાયા
વડોદરા: શહેરના સેવાસી વોર્ડ નં 9 ટીપી-1માં આવેલા અર્બન રેસીડેન્સીની-1 આસપાસ લગભગ 400 વુડાના મકાનો સહિત કુલ 600 મકાનો વચ્ચે 12 ઇંચની નાની ડ્રેનેજ નંખાતા, લાઇનમાં મોટી બ્લોકેજની સમસ્યા સર્જાઈ છે. પાલિકા દ્વારા નવી લાઇન નાંખવા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય પુરાણ ન કરાતા ડ્રેનેજના દુષિત પાણી વિસ્તારમાં રેલાયા હોવાથી આખો વિસ્તાર ગંદકી અને દુર્ગંધથી ઘેરાયો છે.
સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોએ એકત્ર થઈ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. આખા વિસ્તારમાં ગટર ઉભરાય છે, જેના કારણે બીમારીઓ ફેલાય છે અને અવરજવરમાં મોટી તકલીફો થાય છે. ઘણી વાર રહીશો દ્વારા પાલિકામાં ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ કોઈ સાંભળતું નથી. નાના બાળકો અને મહિલાઓ ગટરના પાણીમાં લપસી જવાના બનાવો પણ થયા છે.
પાલિકા દ્વારા છેલ્લા છ મહિનાથી ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે અને ચારેય બાજુ ખાડા ખોદવામાં આવ્યા છે. આખો વિસ્તાર મુશ્કેલીમાં મૂકાયો છે અને સ્થાનિકો દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે ચોમાસુના સમયે વધુ તકલીફો ન થાય તે માટે જલ્દી કામ પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી છે. સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે, ચારેય બાજુ ખાડા કરી વડોદરાને “ખડોદ્રા” બનાવી દીધું છે.
પાલિકા દ્વારા શહેરના નાગરિકોને વરસાદના સમયે પાણી ભરાવાની અગવડતા ન થાય તે માટે નવીન આયોજનો કરવામાં આવ્યા છે, પરંતુ સેવાસી વિસ્તારમાં આવી અવ્યવસ્થા સ્થાનિકોને મુશ્કેલીમાં મૂકે છે.
સ્થાનિકોની માંગ છે કે, પાલિકા દ્વારા ગટર લાઇનનું કામ ઝડપથી અને સ્વચ્છ રીતે પૂર્ણ કરવામાં આવે અને વિસ્તારની સુવિધા ઝડપથી પૂરી કરવામાં આવે.