વરસાદી કાંસની કામગીરી પૂર્ણ થયા બાદ પણ ખાડા નથી પુરાયા, અકસ્માતની શક્યતા
વડોદરા: શનિવારે રાત્રે ખોડિયારનગર વિસ્તારમાં થયેલી એક ઘટનાએ સ્થાનિક નિવાસીઓની ચિંતા વધારી છે. વિસ્તારના પંચમ ત્રણ રસ્તાથી સરદાર એસ્ટેટ પાછળ જવાના રસ્તે, વરસાદી કાંસની કામગીરીને કારણે માર્ગ પર ખાડા ખોદવામાં આવ્યા હતા. આ કામગીરી પૂર્ણ થયા બાદ આજે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે, પરંતુ ખાડા હજુ પણ ખુલ્લા છે. આના કારણે શનિવારે રાત્રે એક રેતી ભરેલી ટ્રક રોડ પર જ પલટી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાસ્થળે વાહનને ઉપાડી લેવામાં આવ્યું હતું.

સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું છે કે, ખાડા ઝડપથી પુરાવા જોઈએ નહિં તો મોટી અકસ્માતની શક્યતા છે. અહીં દિવસ-રાત વાહનોની અવરજવર થાય છે, જેના કારણે ખાડા વાહનચાલકો અને પદયાત્રીઓ માટે જોખમરૂપ બની રહ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓને આ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેવા માટે અરજ કરવામાં આવી છે. શહેરની સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાડા ઝડપથી પુરાવા જોઈએ એવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહિં કરાય તો મોટી અકસ્માત થઈ શકે છે અને જાનહાની પણ સર્જાઈ શકે છે.