વાપી (VAPI)ના રાતા ગામે ગત 6 ફેબ્રુ.ના રોજ સમી સાંજે એક યુવતીની હત્યા (MURDER) કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે સમગ્ર ટીમે માત્ર 10-12 દિવસમાં જ ઉકેલી હત્યારા(MURDERER)ને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ પરિણીત યુવતીની હત્યા તેના જ પરિણીત પ્રેમીએ અન્ય સાથે પ્રેમ સબંધ (RELATIONSHIP)ની શંકાને લઈ કરી હોવાની ઘટના સામે આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનના રાતા વિસ્તારમાં ભારત નગરની સીમમાંથી ગત 6 ફેબ્રુઆરી, શનિવા સાંજે એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. ડુંગરા પોલીસે લાશનો કબજો મેળવી આ કેસમાં સાચું તથ્ય શું છે, તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. આ હત્યા કેસનો ઉકેલ લાવવા એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી હત્યારા સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. પોલીસે હત્યા કરાયેલી યુવતીના ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરી દરેક ગ્રુપમાં મોકલી તેનો ઉકેલ લાવવા ભારે પ્રયત્નો કર્યા હતા. પોલીસે હત્યાની જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી તેનુ બારીકાઈ થી નિરીક્ષણ કરી, આસપાસની ચાલીના માલિકો-રહીશો પાસેથી માહિતી મેળવી હતી.
દરમિયાન ડુંગરા પોલીસને જાણ થઈ કે મરનાર 30-35 વર્ષની અજાણી યુવતી મૂળ બિહારની નીતુદેવી જીવનરાય છે, જે હાલ છીરીના વડિયાવાડની ચાલીમાં રહેતી હોવાનું જણાયું હતું. એલસીબી પોલીસની ટીમે આ હકીકતના આધારે તપાસ કરતાં મરણ જનાર યુવતીનું ખૂન તેની સાથે લગ્નેતર પ્રેમસબંધ ધરાવતા વિનોદ નાગેશ્વર મંડલ ઉવ.30 રહે. છીરી-વડિયાવાડ, આંગન રેસિડન્સી ની પાસે વિનોદની ચાલીમાં મૂળ રહે. ભાગલપુર-બિહાર કર્યું હોવાનું જણાયું હતું. પોલીસે હત્યારા વિનોદ મંડલની અટક કરી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
મરણ જનાર નિતુદેવી સાથે વિનોદને પ્રેમસબંધ હતો. નીતુદેવી કોઈ અન્ય યુવક સાથે મોબાઈલમાં વાત કરતી હોવાની શંકા જતાં પ્રેમી વિનોદ મંડલે નીતુદેવીને રાત્રે ભારત નગરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મળવા બોલાવી હતી. તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં રોષે ભરાયેલા વિનોદ મંડલે નીતુદેવીનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. પ્રેમીકા નીતુદેવીની લાશને વિનોદ મંડલે ખભે ઉંચકી નજીકમાં ભારતનગરના ગ્રાઉન્ડના એક ખૂણામાં પાણીની ટાંકી નજીક ખૂલ્લી ઝાડી જાંખરામાં ગટરના પાણીમાં નાંખી દીધી હતી. પ્રેમિકાનો મોબાઈલ અને તેનું પર્સ લઈ વિનોદ તેના ઘરે જતો રહ્યો હતો. પોલીસને શંકા ન જાણ એટલે વિનોદ તેની ચાલી છોડી બીજે રહેવા જતો રહ્યો ન હતો. બાદમાં રાબેતા મુજબ વિનોદ તેની કંપનીમાં નોકરી પર જવા લાગ્યો હતો. પોલીસે આ ગુનાનો ભેદ 10-12 દિવસમાં જ ઉકેલી હત્યારા વિનોદ મંડલને જેલની હવા ખાતો કરી દીધો હતો. પોલીસે વિનોદને કોર્ટમાં રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
3 સંતાનની માતા સાથે વિનોદને થયો પ્રેમસબંધ
છીરીના વડિયાવાડમાં રહેતી નીતુદેવીનો પતિ જીવનરાય તેના 3 સંતાનને લઈ વતન બિહાર ગત જાન્યુઆરીમાં જ જતો રહ્યો હતો. વિનોદ મંડલ પણ વડિયાવાડમાં તેના પરિવાર સાથે રહેતો હોવાથી તેની સાથે નીતુની આંખ મળી ગઈ હતી. બંને વચ્ચેનો પ્રેમ સબંધ ધીરે ધીરે ગાઢ બનોત ગયો હતો. રોજ રાત્રે આ બે પ્રેમી પંખીડા રાતાના ભારતનગરના ગ્રાઉન્ડ પર સાંજે મળતા પણ હતા. નીતુ અને વિનોદ બંને પરિણીત હતા, છતાં બંને એકબીજાના ગાઢ પ્રમેમાં ડૂબી ગયા હતા.
યુવતીના પરિવારજનોએ કરી હત્યાની ઓળખ
મરનાર નીતુદેવીની લાશની ઓળખ કરવા વલસાડ પોલીસે તમામ પ્રયત્નો કરી જોયા હતા. વડિયાવાડમાં રહેતા લોકો, તેમજ આસપાસના પરિચીતોની પણ તપાસ કરવવા છતાં નીતુની ઓળખ થઈ શકી ન હતી. છેવટે નીતુનો પરિવાર વતન બિહાર રહેતો હોવાથી પોલીસે તેઓને જાણ કરતાં તેઓ વાપી આવ્યા બાદ જ તેની ઓળખ થઈ હતી. પરિવારે નીતું ગુમ થઈ હોવાની કોઈ જ ફરિયા નોંધાવી ન હતી.