સાગરીતની મદદગારીથી મૃતદેહને વાડોદરના જંગલમાં નાંખી દેવામાં આવ્યો હતો
પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનારને 7 વર્ષની કેદ
રસુલપુરના 2ને લીમખેડા કોર્ટે સજા ફટકારી
દાહોદ તા.૦૭
મોરવા હડફના રસુલપુર ગામના શખ્સે પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે પોતાના સાગરીતની મદદગારીથી મૃતદેહને વાડોદરના જંગલમાં નાખી દીધો હતો. જે કેસ લીમખેડાની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા તેના સાગરિતને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામના ધર્મેન્દ્ર જુવાનસિંહ પટેલના લગ્ન ખાબડા ગામની દક્ષાબેન સાથે થયા હતા. ઘર કંકાસને કારણે રિસાઈને પિયર આવેલી દક્ષાબેને મોરવા હડફ કોર્ટમાં પતિ ધર્મેન્દ્ર પટેલ વિરુદ્ધ ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. જેની અદાવત રાખી ગત 15મી ઓક્ટોબર 2022ના રોજ ધર્મેન્દ્ર પટેલે પત્ની દક્ષાબેનને રાત્રિના સમયે બાઈક ઉપર રસુલપુર લઈ જઈ પથ્થર વડે છાતીના ભાગે માર મારી દક્ષાબેનની હત્યા કરી હતી.બાદ ગામમાં જ રહેતા તેના સાગરિત દેવેન્દ્ર હસમુખભાઈ બારીયાની મદદગારીથી પુરાવાનો નાશ કરવા માટે દક્ષાબેનના મૃતદેહને બાઈક ઉપર લઈ જઈ પીપલોદ નજીક વાડોદરના જંગલમાં નાખી દીધો હતો. બનાવ સંદર્ભે પીપલોદ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી સમગ્ર કેસ લીમખેડા સેશન્સ કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો હતો.જે કેસ લીમખેડાના ત્રીજા એડિશનલ સેશન્સ જજ મીનાક્ષી એમ. સોનીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.વી. તડવીની દલીલો ધ્યાને લઈ લીમખેડા સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્ર જુવાનસિંહ પટેલ તથા દેવેન્દ્ર હસમુખભાઈ બારીયાને તક્સીરવાર ઠેરવી પર્મેન્દ્ર પટેલને આજીવન કેદની સજા તથા 5000 રૂપિયાનો દંડ જો નહીં ભરે તો વધુ એક વર્ષની સખત કેદ તેમજ દૈવેન્દ્ર ભારીથાને 7 વર્ષની સખત કેદની સજા તથા 3000 રૂપિયાનો દંડ જો નહીં ભરે તો વધુ છ માસની સખત કેદની સજાનો હુકમ ફરમાવતા લીમખેડા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.