હાલોલ:
હાલોલના એસ.ટી વહીવટી તંત્રની બેદરકારીને કારણે એસટી સ્ટેન્ડમાં થતી ગંદકીને લઇ મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હાલોલ એસ.ટી સ્ટેન્ડમાંથી છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક પાણીની મોટર જાણે સતત ચાલુ રહેતી હોય તેમ પાણી સતત વહેતુ રહે છે. જે પાણી બસ સ્ટેન્ડમાં આવેલા શૌચાલયના ડબકમાં ભળી જતા ગટરનું ગંદુ પાણી બસસ્ટેન્ડમાં સતત વહેતુ રહે છે. એ ગંદા પાણી માંથી દુર્ગંધ મારતી હોવાથી દિવસ દરમ્યાન બસ સ્ટેન્ડ માં આવતા હજારો મુસાફરોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડે છે. અને તેઓને નાક ના ટેરવા પર રૂમાલ રાખવો ફરજીયાત બની ગયો છે.

આ ઉપરાંત એ દુર્ગંધ મારતું પાણી બસ સ્ટેન્ડથી બહાર નીકળી પાવાગઢ તરફ જવાના રસ્તા ઉપર ખુલ્લેઆમ વહે છે. જેને કારણે બસસ્ટેન્ડ ની બહાર આવેલા કેબિનોમાં ઘંધો કરતા લોકો ને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. કેટલીક વખત આ ગંદુ પાણી દ્વારકાધીશ હવેલી સુધી પહોંચી જાય છે ત્યારે દર્શન કરવા આવતા જતા વૈષ્ણવોને પણ આ ગંદા પાણીમાં થઈને ચાલીને જવાની ફરજ પડે છે, તેન છતાં એસ.ટી વહીવટી તંત્ર આંખ આડા કાન કરી આ બાબતે કોઈ નિકાલ કરવા માગતું નથી. જાહેર માર્ગ ઉપર ગંદુ પાણી વહેતુ હોવા છતાં પાલિકા તંત્ર પણ કોઈ એક્શન લેતું નથી તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.