Vadodara

રાજકારણીઓના ખીલે કુદતા અર્થ યુફોરિયાનાં બિલ્ડરની મનમાની, વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડ્યું

એલ એન્ડ ટી સર્કલ નજીકનું અર્થ યુફોરિયા બિલ્ડિંગ ફરી વિવાદમાં, વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડવાની માત્ર નોટિસ આપી પાલિકાએ સંતોષ માન્યો

અર્થ યુફોરિયા બિલ્ડિંગ તરફથી છોડવામાં આવતા માટી મિશ્રિત પાણીના કારણે ગટરમાં સિલ્ટ ભરાઈ જવાની શક્યતા છે, તેથી વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાશે

વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એલએન્ડટી સર્કલ નજીકનું અર્થ યુફોરિયા બિલ્ડિંગ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. નિર્માણાધીન આ પ્રોજેક્ટ તરફથી વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડવામાં આવતું હોવાનું વડોદરા મહાનગરપાલિકાની ઉત્તર ઝોનની ટીમને સ્થળ નિરીક્ષણ દરમિયાન જણાઈ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરભરમાં હાલ પ્રીમોન્સુન કામગીરી ચાલી રહી છે અને ઠેર ઠેર ગટરો સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં આ પ્રકારે વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડતા અર્થ યુફોરિયા બિલ્ડિંગ વિવાદમાં આવી છે. અધિકારીઓના દાવા મુજબ, વરસાદ પહેલાથી મહાનગરપાલિકા દ્વારા વરસાદી ગટરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. પરંતુ અર્થ યુફોરિયા બિલ્ડિંગ તરફથી છોડવામાં આવતા માટી મિશ્રિત પાણીના કારણે ગટરમાં સિલ્ટ ભરાઈ જવાની શક્યતા છે, જેને લીધે વરસાદ દરમિયાન પાણી નિકાસમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.


મહાનગરપાલિકાએ આ અંગે અર્થ યુફોરિયા બિલ્ડિંગને સત્તાવાર નોટિસ ફટકારી તાત્કાલિક માટી દૂર કરવાની અને ગટર સાફ કરવા જણાવ્યું છે. તેમજ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો આ કામગીરી નોટિસ મળ્યાની તારીખથી 2 દિવસની અંદર પૂર્ણ નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અર્થ યુફોરિયા બિલ્ડિંગ અગાઉ પણ વિવાદોમાં આવ્યું છે. પાલિકાએ અગાઉ ‘પાર્ટ બિયુ’ નામે આ ઈમારતના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કેટલાક સ્થાનિકોનો આક્ષેપ છે કે, બિલ્ડિંગમાં રાજકીય જોડાણ ધરાવતા લોકોના હિત હોવાને કારણે પાલિકાએ માત્ર નોટિસ આપીને કામ ચલાવ્યું છે, જ્યારે સામાન્ય બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

Most Popular

To Top