શિનોર: શિનોર તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર ઘામ માલસર નર્મદા બ્રિજના સર્વિસ રોડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગાંડા બાવળ ઊગી નિકળ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવતા સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
શિનોર તાલુકાના માલસર ગામ નજીક નર્મદા નદી પર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે. જેની બાજુમાં સર્વિસ રોડ છે.જેનો ઉપયોગ માલસર ગામના રહીશો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ સર્વિસ રોડ ની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગાંડા બાવળ ઊગી નિકળ્યા હોય, સામેથી આવતા વાહન જોઈ શકાય તેમ ન હોય અનેકવાર અકસ્માતોના બનાવ બન્યા છે.તેમ છતાં જવાબદાર તંત્ર જાણે કુંભ કર્ણ નિદ્રામાં પોઢી ગયું હોય તેમ આજદિન સુધી ગાંડા બાવળ દૂર કરવાની તસ્દી સુધ્ધાં લીધી નથી.જેને લઇને માલસર ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,ત્યારે વધુ કોઈ અકસ્માતની ઘટના બને ના તેની તકેદારીનાં ભાગરૂપે વહેલી તકે ગાંડા બાવળ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.