ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા : નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે કિમી દુરથી કાળા ધૂમાડાના ગોટેગોટા જોઇ શકાતા હતા. ઘટનાને પગલે આસપાસની કંપનીઓ ખાલી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આગની ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપની કેમિકલ ઇન્ટરમીડીયેટ અને ફાઇન કેમિકલ્સ જોડે સંકળાયેલું કાર્ય કરે છે. આજે કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગ ફેલાઇ હતી, અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. હાલ ફાયર જવાનોએ બાજી સંભાળી હતી. આગની ગંભીરતાને ધ્યાને રાખીની નજીકની કંપનીઓને હાલ ખાલી કરાવવામાં આવી હતી. આગ લાગવાને પગલે વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા છે. જેને અંદાજીત બે કિમી દુરથી જોઇ શકાયા હતા. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગૂંજી ઉઠ્યું હતું. ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
