યુવક પડોશી પરિણીતા સાથે જાહેરમા વાતચિત કરતો હોવાથી દંપતીનું ઘર ભાગ્યું હોવાની શંકા રાખી મારામારી
વડોદરા: પાદરા તાલુકાના લતીપુરા ગામના ગોહિલ પરિવારનો એક યુવક પાડોશમાં રહેતી તેમની જ જ્ઞાતિની પરિણીતા સાથે અવાર નવાર વાતો કરતો હોવાથી દંપતી વચ્ચે ખટરાગ સર્જાતા તેમનું ઘર ભાંગ્યું હતું. તેથી પરિણીતાના ઉશ્કેરાયેલા ભાઈએ અન્ય બે સાગરિતની મદદથી યુવક પર હિંસક હુમલો કર્યો હતો. અને મારી નાખવાની ધમકી આપતા ફફડી ઉઠેલો યુવાન પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ પાદરા તાલુકાના લતીપુરા ગામના ગૌતમ ચોક ફળિયામાં રહેતા ૩૯ વર્ષના રાજેશ મનુભાઈ ગોહિલ ખેતીનો વ્યવસાય કરે છે. તેઓએ પાદરા પોલીસમા જણાવ્યું હતું કે બીજી તારીખે રાત્રે ૧૦:૦૦ વાગ્યે તેઓ પોતાના ઘરે હતા, ત્યારે પાડોશમાં રહેતા હાર્દિક ઉમેદ ગોહિલ તેમની પાસે આવ્યા હતા ને કહ્યું હતું કે તારા કાકાનો દીકરો કિરણ મારા ભાઈ વિશાલની પત્ની સાથે વારંવાર કેમ વાત ચિત કરતો હોય છે. જેના કારણે દંપતી વચ્ચે કલેશ સર્જાય છે.તેને કારણે જ વિશાલનું ઘર તૂટ્યું છે. એક બીજા પર આક્ષેપ કરવાની બાબત દરમ્યાન એકાએક ઉશ્કેરાયેલા હાર્દિકે તલવાર વડે હુમલો કર્યો હતો. દરમિયાન તેમની સાથે આવેલા જયેશ મનુભાઈ ગોહિલ અને તેનો ભાઈ વિશાલે લાકડી વડે હુમલો કરતા ફટકાર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. તેથી ત્રણેય હુમલાખોર ત્રિપુટી સામે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.