લગ્ન બાદ 20 દિવસમાં જ પરણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતા મહિલાએ ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું હતું
( પ્રતિનિધિ ) સુખસર,તા.4
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે ગત 31 મે રાત્રીએ એક નવ પરિણિત મહિલાએ પતિના ઘરમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરતા સુખસર પોલીસ સ્ટેશનમાં પતિ સામે શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવા સંદર્ભે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના સુરેશભાઈ મગળાભાઈ વાદીના પુત્ર અક્ષયના લગ્ન ઝાલોદ તાલુકાના ગામડી ગામના દિનેશભાઈ અકુડાભાઇ વાદીની પુત્રી પૂજા ઉંમર વર્ષ 19 સાથે 28 એપ્રિલ 25ના રોજ સમાજના રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. લગ્નના વીસ દિવસ સુધી પૂજાને સારી રીતે ઘરમાં રાખ્યા બાદ પૂજાબેનને તેનો પતિ અક્ષય બહારગામ મજૂરી અર્થે લઈ ગયો હતો.જ્યાં અક્ષય સાંજના સમયે પરત તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મોડી રાત સુધી નહીં આવતા આટલી મોડી રાત સુધી તમે ક્યાં ફરો છો?તેમ પૂછતા પતિ અક્ષય દ્વારા પત્નીને મારામારી કરી જણાવતો હતો કે તું મને ગમતી નથી,મારે બીજી પત્ની લાવવી છે. તું અહીંયાથી જતી રહે તેમ જણાવી ત્રાસ આપતા આ વાત પૂજાબેને તેના પિતાને કરી હતી.જ્યારે પૂજાબેનના પિતાએ તમે બહારગામ થી ઘરે આવતા રહો તેમ જણાવતા ત્રણેક દિવસમાં પૂજા તથા અક્ષય પરત ઘરે આવતા રહ્યા હતા.ત્યારબાદ પૂજાને તેના માસી સાસુ તથા તેનો દિયર તેના પિયર ગામડી ગામે મુકવા લઈને ગયા હતા.જ્યાં પૂજાના માસી સાસુ તથા દિયરને પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે,અક્ષય ઘરમાં તકરાર કરે છે અને અમે પૂજાને મૂકવા આવ્યા છીએ.થોડા દિવસ પૂજાને તમારા ઘરે રહેવા દો તેમ જણાવી પૂજાને તેના પિતાના ઘરે મૂકી આવ્યા હતા.
ત્યારબાદ પૂજાના પિતા બહાર ગામ મજૂરી કામે જવાના હોય રૂપાખેડા ગામે પૂજાના સાસરિયાઓને કહ્યું હતું કે,હું બહારગામ જવાનો છું તેથી પૂજાને બોલાવી જાઓ તેમ જણાવતા રૂપાખેડાના પંચો ગામડી ગામે ગયા હતા.જ્યાં રૂપાંખેડા તથા ગામડીની પંચોએ મળી અક્ષયને હવે પછી તકરાર નહીં કરવા સમજાવી દીકરીને હેરાન નહીં કરવા જણાવી પૂજાને સમજાવી 28 મે 2025ના રોજ તેના સાસરિયાઓ સાથે રૂપાખેડા ગામે મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ 31 મે 2025 ના રોજ રાત્રિના સમયે પૂજા બેને ઘરમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું હતું. આમ પતિનો ત્રાસ સહન નહીં થતાં અને પરણીતાને મરવા માટે મજબૂર કરતા પરણીતાએ ઢાળિયામાં લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક પૂજાબેનના પિતા દિનેશભાઈ અકુડાભાઇ વાદી રહે.ગામડી,તા. ઝાલોદએ ફરિયાદ આપતા અક્ષયભાઈ સુરેશભાઈ વાદી રહે.રૂપાખેડા,તા.ફતેપુરાના ઓની વિરુદ્ધમાં શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજૂર કરવા સંદર્ભે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.જ્યારે આ બનાવની તપાસ સુખસર પી.એસ.આઇ એમ એચ. નિસરતા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.