Columns

નેટ પર પોર્નોગ્રાફી અને ગેમિંગમાં જ રત યુવાધનને નોકરીએ જવું નથી

દુનિયાભરમાં ટીનેજરો, યુવાનો અને ઘણા કિસ્સાઓમાં પ્રૌઢો ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની નવી નવી સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. ઈન્ટરનેટના પ્રતાપે જે જે સામાજિક સમસ્યાઓ પેદા થઇ રહી છે, લગભગ તે તમામ ગંભીર પ્રકારની જ છે.  ટીનેજરોથી માંડીને વયસ્કોને એમની પોતાની જ નગ્ન તસવીરો વડે બ્લેકમેલ કરાય છે. અનેક ટીનેજરો અને અન્યોએ અમેરિકાથી માંડીને ઝાંઝીબાર સુધી આત્મહત્યાઓ કરી છે, તેનું પ્રમાણ હવે જાગૃતિ સાથે અને જાગતિક પોલીસે કારગર પગલાં લીધાં પછી ઘટયું છે પણ સ્માર્ટફોન પોતે અને તેનો વધુ પડતો ઉપયોગ બન્ને સમસ્યાઓ ઘટવાની નથી, બલકે વધી રહી છે. સ્માર્ટ ફોન કે લેપટોપ સામે સતત બેસી રહેવું તેનાથી આરોગ્ય તો કથળે છે. તેમાં વળી નેટ પર જોવાતી અશ્લીલ (પોર્ન) ફિલ્મો અને નેટ પર ક્રિકેટ કે જંગલી રમીના નામનો જુગાર ભળે એટલે યુવાન પેઢીનું આવી બન્યું. એક તો કારેલું અને તેના પર નમક ભભરાવવામાં આવે.

દુનિયા અગાઉ પણ સ્વાર્થી અને સિદ્ધાંતવિહોણી હતી પણ આજની દુનિયાએ તો હદ કરી નાખી છે. એક સમય હતો, 80ના દશકમાં જયારે ભારતના આંતરરાષ્ટ્રીય બેડમિંટન સ્ટાર હૈદરાબાદના ગોપીચંદ ફૂલેલાએ એક કોલ્ડડ્રીંક માટે મોડેલિંગ કરવાની એક આંતરરાષ્ટ્રીય કંપનીની એક કરોડ રૂપિયાની, ત્યારના એક કરોડની ઓફર ઠુકરાવી દીધી હતી. એ માટે એમણે કારણ આપ્યું હતું કે ‘‘ઠંડાં, ગળ્યાં પીણાં પીવાથી માણસનું આરોગ્ય બગડે છે. સોડાથી પણ બગડે છે માટે હું તેનો પ્રચાર નહીં કરું.’’

એવું ન હતું કે ગોપીચંદ ફૂલેલા શ્રીમંત હતા. હમણાં સુધીએ હૈદરાબાદમાં બેડમિંટન અકાદમી ચલાવી રહ્યા હતા અને કદાચ આજે પણ ચલાવતા હશે.ભારતની નેશનલ બેડમિંટન ટીમના એ મુખ્ય કોચ છે. સામાન્ય જીવન જીવે છે. બીજી તરફ રણબીર કપૂર, આમીર ખાન વગેરે, જેમણે એક એક જણે હજારો હજારો કરોડ રૂપિયાનું સામ્રાજય ઊભું કર્યું છે તેઓ રમી અને બીજી જુગારિયા ઇન્ટરનેટ બાજીઓની જાહેરખબરો કરે છે. જાહેરખબરો એટલી ચાંપલી અને સસ્તી કોટિની હોય છે જેમાં અનેક કલાકારો વાંદરવેડા કરે છે. આમીર ખાનને જોઈને હસવું કે રડવું તે દુવિધા પેદા થાય પણ વધુ ગુસ્સો એ વાતથી આવે કે આ ઈન્ટરનેટ જુગાર ધામોમાં દાવ લગાડીને, સર્વસ હારીને અનેક યુવાનો આત્મહત્યા કરે છે.

બીજા સેંકડો પાયમાલ થાય છે, તેઓનાં કુટુંબો તહસનહસ થઇ જાય છે. વિકૃત વાત એ છે કે એ જાહેરખબરોના અંતે અત્યંત ઝડપથી બડબડાટ કરીને કહેવામાં આવે છે આ રમતમાં હારનું જોખમ રહે છે માટે વિવેક વાપરીને રમવું પણ આ શેરબજાર નથી. અહીં માત્ર લકથી જ રમવાનું રહે છે. હાર્યો જુગારી બમણું રમે એ જ રીતે મોટાભાગના જુગારીઓ જીત્યા પછી હારી જાય ત્યાં સુધી રમતા રહે છે.

આ લખવાની કે બોલવાની સરકાર ફરજ પાડે છે પણ તેના પર સદંતર પ્રતિબંધ મૂકતી નથી. કલાકારો જિંદગીની જયાફતો ઊડાવવા માટે યુવાધનને મારી નાખે છે અને/ અથવા પાંગળું, પાયમાલ બનાવી દે છે. પૈસાનો આ ખેલ છે અને તેમાં રાજકારણીઓ પણ ઇનવોલ્વ હોય છે. આ બીમારી આખી દુનિયાને વળગી છે. ઉપર ઉપરથી સરકારો આવી ‘ચિંતાજનક’ સ્થિતિ માટે ‘ચિંતા’ વ્યક્ત કરે છે અને પાછલે બારણેથી પરમિશનો, લાયસન્સો આપીને ‘ચિંતાજનક’ને વધુ અને વિશેષ ચિંતાજનક બનાવે છે.

પશ્ચિમનાં માધ્યમો અને અખબારોમાં ‘એગ્ની આન્ટ’ અથવા મલમ લગાવતી અને જીવનના કઠીન સવાલોમાં માર્ગદર્શન આપતી દોઢ ડાહી માસીઓની કોલમો અનેક દશકોથી છપાય છે. આજકાલ યુવાનો દ્વારા પૂછાતો એક સવાલ કોમન બની ગયો છે. કવોરા વેબસાઈટ પર પણ આ સવાલ વારંવાર પૂછાઇ રહ્યો છે. માત્ર પૂછનાર પાત્ર બદલે છે. સવાલ આ મુજબનો હોય છે. ‘મારી ઉંમર 21 વરસની છે અને હું બેરોજગાર છું. હું મારો આખો દિવસ નેટ પર અશ્લીલ ફિલ્મો જોવામાં અને ફેસબુક બ્રાઉઝ કરવામાં વેડફું છું. મારે મારા ફ્રી ટાઈમમાં શું કરવું જોઈએ જે વધુ ફળદ્રુપ અને અર્થપૂર્ણ નિવડે?’

કવોરા પર જવાબો આપનારા પણ ઘણા હોય. કોઇ કહે કે કોઇ શૈક્ષણિક કોર્સ જોઈન્ટ કર, કોઇ કહે કે નોકરી શોધી લો, કોઇ કહે કે લશ્કરમાં ભરતી થઇ જાવ. એક જવાબ એવો હતો કે ‘કોમ્પ્યુટરમાં કોડિંગ શીખી લો જેથી તમે તમારી પોતાની એવી ફન એપ્લિકેશન (એપ્સ) બનાવો જે તમારા જેવા કંટાળી ગયેલા અને આખો દિવસ અશ્લીલ ફિલ્મો જોતા લોકો માટે ઉપયોગી બને.’ અહીં પણ ફોન કે નેટથી છૂટકારો મળતો નથી.

આજે બ્રિટન અને અન્ય વિકસિત દેશો,જયાં રોજીરોટી મેળવવા લોકો દુનિયામાંથી અવિરત પહોંચે છે ત્યાં પણ કામ નહીં કરવાની વૃત્તિ અથવા કામ નહીં હોવાની સ્થિતિએ માજા મૂકી છે. સરકારો માટે એક શિરદર્દ બની ગયું છે. ઘણા માને છે કે યુવાનોમાં આ એક માનસિક સમસ્યા છે તેથી આવું

બની રહ્યું છે. કામ તો છે પણ કરવું નથી. તેમાં વળી પોર્નોગ્રાફી, વીડિયો ગેમિંગ ટીનેજરોને અને યુવાનોને ઘરમાં જ ઘુસાડી રાખે છે. આ બધું અમુક સમય માટે છોડીને તેઓ બહાર જવા માગતા નથી. કામ કે નોકરી પર પણ જવા તૈયાર નથી. એક અદ્યતન આંકડા મુજબ UKના 16 થી 24ની વયના 9 લાખ નવયુવાનોનો ‘નીટ્સ’માં સમાવેશ થાય છે. નીટ્સનો અર્થ થાય છે, ‘નોટ ઇન એજ્યુકેશન, એમ્પલોયમેન્ટ ઓર ‘ટ્રેનિંગ’. ના ભણે છે, ના નોકરી કરે છે કે ન તો કોઇ કરતબ-કારીગરીની તાલીમ લે છે. આ 9 લાખમાં સવા ચાર લાખ યુવતીઓ પણ છે. કોરોના સંકટ બાદ આ પ્રકારનાં આળસુ, એદી બની ગયેલાં યુવા-યુવતીઓની સંખ્યામાં 49%નો વધારો થયો છે, આ આંકડાઓ જોઈને અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષકો અને રાજનેતાઓ અચંબામાં અને ‘ચિંતા’માં મુકાઈ ગયાં છે.

કોવિડ સંકટ દરમિયાન લોકોને ઘરે રહેવાની અથવા ઘરે બેસીને કામ કરવાની છૂટ મળી ત્યારથી લોકો કામ કરવાની સાથે નેટ પર અન્ય આકર્ષણો તરફ ખેંચાવા લાગ્યા અને તેનો ચેપ આજ દિવસ સુધી વળગી રહ્યો છે. કોરોનામાં વિદ્યાર્થીઓને ઘરે બેસીને નેટ પર અભ્યાસ કરવાની સાથે સાથે બીજે ખાખાખોળા કરવાની તક મળી. આજકાલ મા-બાપ કહી રહ્યાં છે કે બાળકો ખૂબ વધુ પ્રમાણમાં ઇન્ટરનેટને વળગેલાં રહે છે. તે સામે કિશોર અને યુવા સંતાનો કહે છે કે તેઓનાં મા-બાપ વધુ પડતી ચિંતા કરે છે પરંતુ ગેમિંગમાં મોટી રકમ ગુમાવવાને કારણે આત્મહત્યાના કિસ્સાઓ અખબરોમાં છપાય તે વાંચીને વડીલોને ચિંતા ઉપજે તે સ્વાભાવિક છે.

તરૂણો, કિશોરો અને નવયુવાનોમાં હજી એ સમજ પૂરેપૂરી બંધાઈ હોતી નથી કે કયાં અને કેટલું જોખમ ઊઠાવવું? પરિણામે તેઓની મિત્રતાઓમાં દરારો પડે છે. કંકાસ થાય. મિત્રોની સારી સ્થિતિ જોઇને હીનપણું અનુભવે. મિત્રને મળેલી સફળતા જેવી પોતાને માટે પ્રાપ્ત કરવા માટે બાકીની તમામ બાબતોને બાજુએ રાખી દે, તેમાં નિષ્ફળતા મળે તો સહન કરી શકે નહીં. તેઓ વાસ્તવિક જીવનથી અળગા પડી જાય. કામ કરવામાં કે વધુ અભ્યાસ કરવામાં તેઓ રસ ગુમાવે. આ તારણ અમુક શિક્ષકોનું છે જેમણે નવ યુવાનોના આ પ્રકારના વર્તનનો અભ્યાસ કર્યો છે. આ સ્થિતિને પ્રતાપે માનસિક  આરોગ્ય પણ કથળે છે.

વરસ 2017માં અમેરિકામાં યોજાયેલા એક અભ્યાસનાં તારણમાં ચેતવણી આપવામાં આવી હતી કે બાળકો તેઓના ફ્રી ટાઈમ વીડિયો ગેમ રમવામાં પસાર કરે છે તે બરાબર નથી. આજે હવે તે ચેતવણી સાચી પુરવાર થઇ રહી છે. આજે એવા લબરમૂછિયાં યુવાનો કે કિશોરો છે જે કયારેક કયારેક ઇન્ટરનેટ પર તમામ 24 કલાક વિતાવી દે છે. કન્યાઓ કરતાં કિશોર અને નવયુવાનોમાં આ પ્રમાણે વધુ છે. વળી હાલમાં જેઓને કામ મળે છે તેઓ 40 હજાર ડોલર (વાર્ષિક)થી નીચેની રકમમાં કામ કરવા તૈયાર નથી. આજે લગભગ બારેક વરસની વયે કિશોરોના હાથમાં સ્માર્ટફોન આવી જાય છે અને સમસ્યા ત્યારથી જ શરૂ થઇ જાય છે. પોર્ન, ગેમિંગ અને ઓનલાઈન મોડેલોની વિકૃત અસર બાળકોમાં શરૂ થઇ જાય છે. વરસ 2023માં ગૂગલ પર જે નામની ત્રીજા નંબરે સૌથી વધુ સર્ચ થઇ તે નામ એન્ડ્રુ ટેટ નામના એક ધનવાન પણ બદનામનું હતું. એણે સોશ્યલ મીડિયા પર ઘણા વિકૃત વિચારો ફેલાવ્યા હતા.

કૃત્રિમ દુનિયા વાસ્તવિક દુનિયાને નવેસરથી આકાર આપી રહી છે. નેશનલ સેન્ટર ફોર ગેમિંગ ડિસઓર્ડર નામના એક માર્ગદર્શક એપની વરસ 2020માં UKની સરકારે સ્થાપના કરી હતી. તેનો ઉપયોગ કરનારાઓમાં 90% પુરુષો છે. બીજા એક ‘સેન્ટર ફોર સોશ્યલ જસ્ટીસ’ના કહેવા પ્રમાણે 18 થી 29 વરસના વયજૂથના પુરુષોમાં રોજ પોર્ન જોવાનું વ્યસન વળગે છે. આ જૂથમાં 25% પુરુષો અને માત્ર 2% સ્ત્રીઓને આ આદત પડી જાય છે. શિક્ષિકાઓ અને શાળાની તરૂણીઓની ફરિયાદો મુજબ આવી આદત ધરાવતા કિશોર વિદ્યાર્થીઓ શાળામાં પણ છોકરીઓ સાથે છેડછાડ કરે છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top