સુરતઃ હાલમાં સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના દરેક વ્યક્તિના મુખ પર સુરત મનપાની ચૂંટણીની જ ચર્ચા છે. ત્યારે રવિવારે 21મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે. જે સુરત મહાનગરપાલિકાની 11મી ચૂંટણી હશે. મ્યુનિસિપાલિટીમાંથી સુરત મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ સૌ પ્રથમ 1969માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી અને છેલ્લે 2015માં, એમ કુલ મહાનગરપાલિકાની અત્યાર સુધીમાં 10 ચૂંટણીઓ થઈ ચુકી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીયે તો, 1966 માં મ્યુનિસિપાલિટીમાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ પ્રથમ ચૂંટણી (FIRST ELECTION) તા.8મી જૂન, 1969માં થઈ હતી. પ્રથમ ચૂંટણીમાં માત્ર 1,63,276 મતદારો જ નોંધાયા હતા અને 14 ઈલેક્શન વોર્ડ હતા. તે સમયે 51 સીટો પર ચૂંટણી થઈ હતી. અને ત્યારબાદ તબક્કાવાર સાલ 1975, 1981,1987, 1995, 2000, 2005, 2008, 2010 અને 2015માં મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી. હવે 21 મી ફેબ્રુઆરીએ 11મી વખત ચૂંટણી થશે.
વર્ષ | તારીખ | વોર્ડ | મતદાર | સીટ |
1969 | 08-06-1969 | 14 | 1,63,276 | 51 |
1975 | 23-11-1975 | 19 | 2,54,700 | 65 |
1981 | 25-01-1981 | 19 | 3,71,876 | 65 |
1987 | 25-01-1987 | 36 | 6,63,680 | 97 |
1995 | 12-06-1995 | 33 | 12,71,637 | 99 |
2000 | 17-09-2000 | 33 | 13,49,612 | 99 |
2005 | 11-12-2005 | 34 | 16,49,686 | 102 |
2008 | 17-02-2008 | 4 | 5,34,910 | 12 |
2010 | 10-10-2010 | 38 | 24,20,000 | 114 |
2015 | 22-11-2015 | 29 | 26,54,830 | 116 |
2021 | 21-02-2021 | 30 | 32,88,509 | 120 |
1987 સુધી મહાપાલિકામાં મહિલા અનામત સીટ જ નહોતી
સુરત મહાનગરપાલિકાની વર્ષ 1969ની ચૂંટણીથી લઈ વર્ષ 1987 એટલે કે, કુલ 4 ચૂંટણી દરમિયાન મહિલાઓ માટે અનામત સીટ રાખવામાં આવી જ ન હતી. ત્યારબાદ વર્ષ 1995ની ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત સીટ રાખવામાં આવી હતી. જેમાં તબક્કાવાર વધારો થતો ગયો. હાલમાં 50 ટકા મહિલા અનામત છે.
2005ની ચૂંટણીમાં 100ની ઉપર સીટ ગઈ
સુરત શહેરનો જેમ જેમ વસતી વધારો થતો ગયો તેમ તેમ શહેરમાં ઈલેક્શન વોર્ડ તેમજ સીટ પણ વધારવામાં આવી હતી. શહેરમાં મહાનગરપાલિકાના પ્રથમ ઈલેક્શનમાં માત્ર 51 જ સીટ હતી. જેમાં તબક્કાવાર વધારો થતો ગયો હતો. અને પ્રથમવાર વર્ષ 2005ની ચૂંટણીમાં સીટની સંખ્યા 100ને પાર થઈ હતી. 2005માં 102 સીટ પર ચૂંટણી યોજાઈ હતી.
2008માં હદવિસ્તરણ થતા નવા 4 વોર્ડ બનાવીને અલગ જ ચૂંટણી થઈ હતી
સુરત મહાનગરપાલિકાનું ધીરે ધીરે હદવિસ્તરણ થતું ગયું હતું. જે અંતર્ગત વર્ષ 2008 માં સુરત મહાનગરપાલિકાનું હદવિસ્તરણ થતા 4 નવા વોર્ડ સુરત મહાનગરપાલિકામાં ઉમેરાયા હતા. જેથી તે 4 વોર્ડ માટે વર્ષ 2008માં ચૂંટણી થઈ હતી.
મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી બાદ 11મી ચૂંટણી માટે 30 લાખ મતદારો વધ્યા
સુરત મહાનગરપાલિકાનો જેમ જેમ વિસ્તાર થતો ગયો તેમ તેમ વસતીમાં પણ ધરખમ વધારો થતો ગયો હતો. સુરત મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી સમયે કુલ 1,63,276 મતદારો નોંધાયા હતા અને 11મી ચૂંટણીમાં એટલે કે, 52 વર્ષમાં 30 લાખ મતદારો વધ્યા છે. 2021ની ચૂંટણીમાં કુલ 32,88,509 મતદારો નોંધાયા છે.