શહેરના દિવાળીપુરા ન્યાય સંકૂલ ખાતે અમદાવાદના વકીલને ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ અને બે પોલીસ કર્મીઓ દ્વારા થપ્પડ માર્યાના આક્ષેપ
એડવોકેટ આરોપીને સરન્ડર કરવા માટે કોર્ટમાં લાવ્યા હતા અને બહાર નિકળતા સમયે બનાવ બન્યો
ભોગ બનનાર એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં વકીલ સાથે પોલીસની ગેરવર્તણૂકની નોંધ લઇ સસ્પેન્ડ કરવાની માંગ

શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલમા સોમવારે અમદાવાદથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ એક આરોપીના કોર્ટમાં સરન્ડર માટે આવ્યા હતા અને કોર્ટ કાર્યવાહી બાદ બહાર નિકળતા હતા તે દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સેકન્ડ પી.આઇ.સી.એચ. સી.એચ.આસુન્દ્રા તથા પોલીસ કર્મીઓ દ્વારા એડવોકેટ સાથે ગેરવર્તણૂક કરી બે લાફા ઝીંકી દેવાના મામલે વડોદરા સહિત રાજ્યના વકીલોમાં પોલીસ અધિકારી અને કર્મીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે.
વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં સોમવારે એક ગંભીર ઘટના બની હતી. ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ સી.એચ. આસુન્દ્રા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર રહેલા અમદાવાદના ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સાથે ગેરવર્તણૂક કરી લાફા ઝીંકી દેવાના મામલે વકીલોમા રોષ ભભુકી ઉઠયો છે. 307 ના કેસના આરોપી હિતેશ ગોહિલને લઈ એડવોકેટ શેખ મોહંમદ આદિલ વડોદરા ન્યાયાલય કોર્ટમાં જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ એ.કે.શાહની કોર્ટમાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વધુ વરસી હતી.વકીલ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, બોલાચાલી દરમિયાન પીઆઈ સી.એચ. આસુન્દ્રાએ તેમને બે લાફા માર્યા હતા. આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા વકીલ મંડળે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આક્ષેપિત પોલીસ અધિકારી સી.એચ. આસુન્દ્રાને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. વકીલ મંડળે ચિમકી ઉચ્ચારી છે કે જો આ અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને કારણે કોર્ટ પરિસરમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને વકીલ મંડળ વચ્ચે આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે.
જોકે આ વિષયમાં મામલો ઉગ્ર બનતા 4 પોલીસ સ્ટેશનના પી. આઈ , એસીપી બી ડિવિઝન આર.ડી.કાવા સહિતનો સ્ટાફ કોર્ટમાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જોકે હાલ આખી મેટર અકોટા પોલીસ સ્ટેશનમાં જવા પામી છે.


ગોરવાના સેકન્ડ પીઆઇ દ્વારા “તું નિકળ, તારું કામ પૂરું થ ઇ ગયું છે” તેમ કહી તેમણે અને હેડ કોન્સ્ટેબલે બે લાફા માર્યા
હું અમદાવાદ હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે હું 307 ના ગુનાના આરોપી હિતેશ ગોહિલને વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં સરન્ડર કરવા માટે જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ એ.કે.શાહની કોર્ટમાં લાવ્યો હતો જ્યાં આરોપીની અરજી નામંજૂર થતાં હું તેની સાથે બહાર આવી રહ્યો હતો તે દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ. સી.એચ.આસુન્દ્રા તથા હેડકોન્સ્ટેબલ જયેશ દેસાઈએ “ચલ તું નિકળ તારું કામ પૂરું થયું છે બહાર નિકળી જા” તેમ કહેતાં મેં તેઓને સભ્યતાથી વાત કરવાનું કહેતા તેમણે તથા હેડકોન્સ્ટેબલ જયેશ દેસાઈએ મને બે લાફા ઝીંકી દીધા હતા. મારી ગુજરાત હાઇકોર્ટે સમક્ષ માંગ છે કે આ પોલીસ અધિકારી અને કર્મીની ગેરવર્તણૂક ની નોધ લઈ તેઓ સામે સસ્પેન્સનની કાર્યવાહી કરવામાં આવે.
-એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ શેખ મોહંમદ આદિલ, ભોગ બનનાર વકીલ

વડોદરા વકીલ મંડળ દ્વારા સુઓમોટો દાખલ કરી તાત્કાલિક પોલીસ અધિકારી અને કર્મીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ઠરાવ પસાર કરાશે
વડોદરા ન્યાયાલય પરિસરમાં એક અમદાવાદના એડવોકેટ 307 આરોપીને લઈ કોર્ટમાં સરન્ડર કરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ. સી.એચ.આસુન્દ્રા અને હેડ કોન્સ્ટેબલ જયેશ દેસાઈ દ્વારા વકીલ સાથે બોલાચાલી કરી બે લાફા માર્યા છે જેના કારણે વડોદરાના વકીલોમાં ઉગ્ર રોષ છે . વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલ શહેરમાં ન હોય અમે તેમને સમગ્ર મામલે અવગત કરી એક સુઓમોટો અરજી દાખલ કરી છે અને ભોગ બનનાર એડવોકેટને કાનમાં દુખાવો થતો હોય 108 મારફતે તેઓની સારવાર અને મેડિકલ કરાવી આ બાબતે નિર્ણય લઇશુ.
-એડવોકેટ નિમિષા ધોત્રે,ટ્રેઝરર, વડોદરા વકીલ મંડળ
માંજલપુર પી.આઇ વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું
એક દિવસ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.પી.ખરાદી દ્વારા વકીલ શ્રીકાંત કાળેને લાફો મારવામાં આવ્યો હતો જેઓનું મેડિકલ થયા બાદ આ પોલીસ અધિકારી વિરુદ્ધ પણ વકીલ મંડળ દ્વારા ઠરાવ કરી ફરિયાદ નોંધાવી આગળના પગલાં લેવામાં આવશે
–એડવોકેટ દિનકર ત્રિપાઠી