ધવલ ઠક્કરને પકડવા માટે પોલીસ શહેરમાં ચાલતી વિવિધ સાઇટો પર શોધખોળ પરંતુ હજુ પતો લાગ્યો નથી, અગાઉ ઝડપાયેલા 6 હુમલાખોરો મળી આરોપીઓનો કુલ આંક 8 પહોંચ્યો
પ્રતિનિધિ વડોદરા તા.1
વડોદરા શહેરમાં બિલ્ડિંગ લાઇનમાં મોટુ નામ કહેવાતા કાન્હા ગ્રૂપના નશેબાજ બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીના ઝઘડાને લઇને કાકા સસરાની સોપારી ગુંડા તત્વોને આપી હતી. માથાભારે શખ્સો સાથે બિલ્ડર કાકા સસરાના ઘરે ધસી ગયો હતો અને ત્યાં જઇને હિંસક હુમલો કર્યો હતો. જેમાં પોલીસ આજે છાણી ગામમાંથી વધુ બે હુમલાખોરોની ધરપકડ કરી લેતા આરોપીઓનો કુલ 8 પર પહોંચ્યો છે. વિવિધ સાઇટો પર પોલીસ દ્વારા તપાસ કરી પરંતુ હજુ સુધી બિલ્ડરનો કોઇ પત્તો લાગ્યો નથી.
વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા કાન્હા ગ્રૂપનો નશેડી બિલ્ડર ધવલ ઠક્કર રોજ દારૂની પાર્ટીઓ કરતો હતો અને ઘરમાં આવીને તેમની પત્ની સાથે ઝઘડા કરીને મારપીટ કરતો જતો. જેથી પત્ની પણ બિલ્ડર પતિના ત્રાસથી કંટાળી પિયરમાં જતી રહી હતી. ત્યારે બિલ્ડરે પત્નીના કાકા જે છાણી વિસ્તારમાં રહે છે. તેમની ગુન્ડા તત્વોને સોપારી આપી હતી અને ત્યારબાદ કારમાં ગુંડાઓને લઇને તેમના ઘરે જઇને તેમના પર હિંસક હુમલો કર્યો હતો. જેથી કાકા સસરા જગદીશભાઇની ફરિયાદના આધારે બિલ્ડર સાથે હુમલો કરવા આવેલા અગાઉ ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ગઇ કાલે 31 મેના રોજ બે ભાઇ આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન આજે 1 જૂનના રોજ કાકા સસરા પર હુમલો કરનાર બિલ્ડરના અન્ય બે સાગરીતો છાણી ગામમાં રહેતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે છાણી ગામમાં જઇને મિહીર દિપીકભાઇ રાણા અને કાર્તિક અરવિંદ દરબારને ઝડપી પાડ્યા છે. આમ બિલ્ડર પાસેથી સોપારી લઇને હુમલો કરનાર આરોપીઓનો આંક 8 પર પહોંચ્યો છે. પરંતુ મુખ્ય આરોપી કાન્હા ગ્રૂપનો બિલ્ડર ધવલ ઠક્કરનો પોલીસને પત્તો લાગ્યો નથી.બિલ્ડરના ઘરે સહિત સંબંધીઓ અને મિત્રો ત્યાં તેમજ વડોદરા શહેરમાં જ્યાં કાન્હા ગ્રૂપની સાઇટોનું કામ ચાલી રહ્યું છે ત્યાં પણ પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી બિલ્ડરનો કોઇ પતો લાગ્યો નથી.