નિમણૂક પત્રથી વંચિત વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો અકળાયા
552ની ભરતીમાં 70 હાજર ન થયા, હાજર થયા બાદ 35 એ અન્ય જગ્યા પસંદ કરી જ્યારે 20થી વધુના હાલ રાજીનામા
વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા અંગે લાંબા સમય ચાલેલા વિવાદ બાદ ભરતી પ્રક્રિયા કરાઈ હતી. આ ભરતી પ્રક્રિયામાં 552 જગ્યા માટે 1 લાખથી વધુ અરજીઓ આવી હતી. બાદમાં ઘણાં સમય બાદ વર્ષ 2023માં પરીક્ષા લેવાઈ અને બાદમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું હતું. આ ભરતી પ્રક્રિયાનો મુખ્ય હેતુ નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવાનો અને વધારાના ચાર્જ ભોગવતા કર્મીઓને કામના ભારણમાંથી મુક્તિ આપવાનો હતો. પરંતુ ભરતી પ્રક્રિયા બાદ પણ અનેક સમસ્યાઓ સામે આવી છે. માર્ચ 2024માં પાલિકા દ્વારા પહેલા રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી હતી જોકે પહેલા જ રાઉન્ડમાં અંદાજે 70 જેટલા ઉમેદવારો હાજર જ થયા નહોતા. એટલે કે 552 ની ભરતીમાંથી 480 જેટલા કર્મીઓ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ પર હાજર થયા. જેના થોડા સમય બાદ જ અન્ય 35 જેટલા ફરજ પર હાજર થયેલા કર્મીઓને અન્ય જગ્યાએ નોકરી મળી જતા તેમને કોર્પોરેશનમાંથી નોકરી છોડી દીધી. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે 20થી વધુ આ ભરતીમાં નિમણૂક પામેલા કર્મીઓએ રાજીનામા આપ્યા હોવાની માહિતી મળી રહી છે. જો તેમનું રાજીનામું મંજૂર થઈ જાય તો તેઓ પણ નોકરી છોડી અન્ય જગ્યાએ જાય તેવી પરિસ્થિતિ છે. એટલે કુલ મળીને અંદાજે 120 થી વધુ કર્મીઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ ન બજાવી અન્ય જગ્યા પસંદ કરી છે. તેવામાં આ ભરતીમાં બાકી રહેતા ઉમેદવારોના વેઇટિંગ લિસ્ટ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આમ એકંદરે કામના ભારણ ઘટાડવા જે ભરતી કરવામાં આવી તેમાં હવે ફરીથી ઘટતા કર્મીઓની ભરતી ક્યારે થશે તેને લઈને હાલ વેઇટિંગમાં રાહ જોઈ રહેલા ઉમેદવારો ચિંતા કરી રહ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-ત્રણ સંવર્ગની 552 જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા 70 જેટલા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી. આવા બાકી રહેલા ઉમેદવારોએ અગાઉ બે ત્રણ વાર પાલિકા ખાતે આવીને માગણી સાથે દેખાવો કરી રજૂઆત કરી હતી. આ ઉમેદવારોએ પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તેમની વાત હજુ સુધી સંભાળવામાં આવી નથી. 70 જેટલી બાકી જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી, એ પછી અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. જે તે શેર ઉમેદવારોએ કહ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી પાસે રજૂઆત કર્યા બાદ હજુ સુધી અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, ફરી પાછું અમારે સરકારમાં રજૂઆત કરવા જવું પડશે, અને જરૂર પડે કોર્ટના દ્વાર ખખડાવીશું તેવી ચીમકી આપી હતી.
જરૂર પડે ત્યારે આગળ પગલાં લેવાશે : વહીવટી અધિકારી
જુનિયર કલાર્કે મામલે હાલ સમગ્ર પ્રક્રિયા હાથ પર લેવામાં આવેલી છે. જેમ કોર્પોરેશનને જરૂર પડશે એમ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારસુધી ઉમેદવારો અહીંયા જે રજૂઆત કરવા આવ્યા તેમની વાત પણ ધ્યાન પર લીધેલી છે અને કમિશ્નર સાહેબના ધ્યાન પર પણ લાવ્યા છીએ. – તરુણ શાહ, વહીવટી અધિકારી