Singvad

સિંગવડ નગર કેમેરા, પાણીની પરબ, બસ સ્ટેશન, ગટર લાઈન જેવી અનેક સુવિધાથી વંચિત

સીંગવાડ: સિંગવડ નગરને સરકાર દ્વારા મળવાપાત્ર ઘણી સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેમાં સીસી કેમેરા, પાણીની પરબ, બસ સ્ટેશન, ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન વગેરે સુવિધા નહીં હોવાના લીધે સિંગવડ નગરના લોકોને તથા આજુબાજુના લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

ઘણી વખત સિંગવડ નગરમાં ચોરીઓના બનાવ બન્યા છે. ઘણા ખરા ચોરોને પકડવામાં નથી આવ્યા. જ્યારે ઘણી વખત સિંગવડ બજારમાંથી બકરાઓની ચોરીઓ પણ થઈ તે આજ દિન સુધી બકરા ચોર પકડવામાં નથી આવ્યા. સિંગવડ નગરમાં સીસી કેમેરા મુકવામાં આવે તો આવા નાના-મોટા ચોરીના બનાવો કે એક્સિડન્ટના બનાવો વગેરેની માહિતી આ સીસી કેમેરામાં કેદ થઈ શકે અને તે ચોરો પકડાઈ શકે તેમ છે. સીસી કેમેરા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી. પરંતુ તેને અમલ આજ દિન સુધી કરવામાં નથી આવ્યો. આ સીસી કેમેરા માટે ગ્રાન્ટો પણ સરકારી ખાતાઓ દ્વારા ફાળવવામાં આવેલી છે,પરંતુ સીસી કેમેરા નાખવામાં નથી આવ્યા. માટે સિંગવડ નગરમાં સીસી કેમેરા નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે .

સિંગવડ નગરમાં પીવાના પાણીની પરબ માટે પણ તાલુકા સદસ્યની 20% ની ગ્રાન્ટ માંથી રૂપિયા આપવામાં આવ્યા. પરંતુ તે પણ નાખવામાં નથી આવ્યું. નગરમાં ગટર લાઇન માટે બે વખત રૂપિયા ફળવાઇ ગયા પરંતુ તે ગટરલાઇન આજ દિન સુધી બનાવવામાં નથી આવી. બસ સ્ટેશન બનાવવા માટે પણ એસટી ખાતાના અધિકારીઓ તથા સરકારી ખાતાના અધિકારીઓ દ્વારા તેનું સ્ટેશનને લગતું માપ વગેરે લઈને લઈ ગયા પછી પણ તેને આજ દિન સુધી બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી નથી. જ્યારે સિંગવડ નગરમાં આ બધી સુવિધાઓ સરકારી તંત્ર દ્વારા ક્યારે કરવામાં આવશે તેવી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Most Popular

To Top