રાજસ્થાનથી વિધિ પતાવી પરત ફરતા ભરૂચના શાહ પરિવારની કારને કરજણ નજીક અકસ્માત સર્જાયો
સાડીના વેપારીની પત્નીનું મોત નીપજ્યું, જ્યારે ઇજાગ્રસ્ત અઢી વર્ષની પુત્રી, સાસુ, દાદી સાસુને ભરૂચ હોસ્પિટલમાં ખસેડાયા
ઓવરટેક કરી પીકઅપ વાને અચાનક બ્રેક મારતા કાર પાછળ ઘુસી ગઈ

વડોદરા:
કરજણ હાઇવે પર મળસ્કે રાજસ્થાનથી પરત ફરેલા ભરૂચના શાહ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ખોળામાં બેસેલી બાળકીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં કાર ચાલકની પત્નીનું મોત નિપજ્યું હતુ. ગોઝારા અકસ્માતના પગલે હાઇવે પોલીસ અને 108 ઇમર્જન્સીને કરાતા બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.લોહી લુહાણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
. ભરૂચ નજીક ભોલાવ ગામના ગોદાવરી પાર્ક સોસાયટીમાં રહેતા અને સાડીનો વેપાર કરતા ત્રિપુલકુમાર શાહ તેઓની કારમા પત્ની ભાવિકાબેન, (૩૩વર્ષ) અઢી વર્ષ ની પુત્રી તકસી સાસુ નૈનાબેન (૫૫વર્ષ)અને દાદી સાસુ સુર્મિલાબેન શાહ (૭૫)સાથે કાર લઈને 27 મે ની રાતે રાજસ્થાન ધાર્મિક વિધિ અર્થે ગયા હતા.
રાજસ્થાનના નીતોડા અને કાછોલી ગામથી વિધિ પતાવી કારમાં તેઓ 30 મે ની રાતે ભરૂચ પરત ફરી રહ્યા હતા. શનિવારે મળસ્કે 4.20 કલાકે તેઓ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણની હદમાં પ્રવેશ્યા હતા. ત્રિપુલભાઈ કાર બીજી લેનમાં ચલાવી રહ્યા હતા. ત્યારે બોડકા ગામની સીમ નજીકથી પસાર થતી પીકઅપ વાને પુર ઝડપે કારને ઓવરટેક કરતા આગળ અન્ય બીજી વાહન ચાલતું હોવાથી પીકપ વાને એકદમ બ્રેક મારી હતી.શાહ પરિવારની કાર ધડાકાભેર પીકઅપ પાછળ ઘુસી ગઈ હતી.કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત સર્જાતા થોડે દૂર સુધી કાર ઢસડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં આગળની સીટ ઉપર બેસેલા પત્ની ભાવિકાબેનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જ્યારે કાર પાછળ નાનીના ખોળામાં બેસેલી અઢી વર્ષની માસુમ તકસી સહિત તમામ પરિવારનો નો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતમાં કાર ચાલક પતિ, પુત્રી, સાસુ અને દાદી સાસુને ઇજા પોહચતા વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડાયા હતા. બનાવને પગલે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.