શિનોર: શિનોરના રેલવે ગરનાળા નીચે ભરાતા વરસાદી પાણીની વર્ષો જુની સમસ્યા આ વર્ષે પણ યથાવત રહી છે. ગરનાળા નીચે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં સરેઆમ નિષ્ફળ રહેલા તંત્ર અને સ્થાનિક નેતાઓના પગલે, આ સ્થળેથી પસાર થતા વાહનચાલકો સહિત અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને ચોમાસાની ઋતુ દરમિયાન ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે..
સરકાર ધ્વારા સ્થાનિક રહીશોની પાયાની સુવિધાને ધ્યાને લઇ કોઇ વિકાસનું કામ કરાય ત્યારે સોશિયલ મિડિયામાં પોતાના ફોટા મુકી વાહવાહી લૂંટવાની એક તક નહિ ચૂકતા સ્થાનિક નેતાઓ શિનોર રેલ્વે ગરનાળા નીચે ભરાતા વરસાદી પાણીનો કાયમી ઉકેલ કરાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય વરસાદ પડે કે તુર્ત જ આ સ્થળે પાણી ભરાઈ જાય છે. આ કારણથી તાલુકા મથક ખાતે તાલુકાના ગામોમાંથી સરકારી કચેરીના કામકાજે આવતા રહીશો ઉપરાંત અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ, માંગલ્ય ધામ માલસર ઉપરાંત નર્મદા તટે આવેલા પૌરાણિક મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રિકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાના-મોટા ફોરવ્હિલ વાહનો પાણીની વચ્ચે બંધ થઈ જાય ત્યારે અને તેમાંય વળી અજાણ્યા વાહનચાલકોની હાલત ભારે કફોડી બને છે. અહિં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે બાજુમાં પાકો કાંસ પણ બનાવ્યો છે પરંતુ સ્થાનિક સ્તરે થી એની સાફસૂફી સુધ્ધા નહિ કરાતાં આ કાંસ શોભાના ગાઠીયા સમો બિન ઉપયોગી સાબિત થયો છે..
ઉલ્લેખનીય છે કે આગામી ચોમાસાની ઋતુ પહેલાં વર્ષો જુની આ સમસ્યાનો ઉકેલ કરવામાં તંત્ર અને સ્થાનિક નેતાઓ શું સતર્કતા દાખવે છે તે જોવું રહ્યું…