Vadodara

વોર્ડ 11ના સુભાનપુરા વિસ્તારમાં ખુલ્લા ખાડાઓથી અકસ્માતનો ભય, તંત્ર ચૂપ

ખોદેલા ખાડાની આસપાસ ન બેરિકેટિંગ, ન ચેતવણીના બોર્ડ

19.96 લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલું વરસાદી ગટરનું કામ લોકો માટે માથાનો દુઃખાવો બન્યું, પહેલા જ વરસાદમાં ઠેર ઠેર કીચડ

વડોદરા શહેરના વોર્ડ નં. 11ના સુભાનપુરા વિસ્તારમાં હાલ ચંદ્રવિલા ફ્લેટ, રામેશ્વર મંદિર અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી ગટરની કામગીરી ચાલી રહી છે. કુલ 19.96 લાખ રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ચાલી રહેલું કામ હાલ લોકો માટે માથાનો દુઃખાવો બની ગયું છે. પ્રથમ નજરે જ કામની સ્થિતિ જોઈ શકાય છે કે કેવી રીતે આખા રસ્તાઓ પર ખાડાઓ ખોદીને તેમને ખુલ્લા જ રાખી દેવામાં આવ્યા છે. આવા ખાડા આસપાસ કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી. ન બેરિકેટિંગ છે, ન ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. સોસાયટીઓના રસ્તાઓ ખુલ્લા ખાડાઓથી ઘેરાયાં છે. જ્યારે બાળકો અહીં રમી રહ્યા હોય ત્યારે કોઇપણ સમયે કોઈ દુર્ઘટના ઘટી શકે છે. શહેરી તંત્ર દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ગટરની કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થવાની હતી. સમય મર્યાદા ત્રણ મહિના રાખવામાં આવી હતી. પરંતુ ચોમાસા શરૂ થવા હવે ગણતરીના દિવસો બાકી છે અને કામ હજુ પણ અધૂરું છે. તાજેતરમાં જ પડેલા વરસાદથી રોડ પર કીચડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. લોકોને ઘરમાંથી બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

સમગ્ર મામલે એક સ્થાનિક રહીશે વડોદરા કોર્પોરેશનને ફરિયાદ પણ કરી છે. રહીશે ફરિયાદમાં કહ્યું કે, છેલ્લા 7-10 દિવસથી વાસ્તુ ફ્લેટ, ચંદ્રવિલા સોસાયટી પાસે તંત્રના પાપે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. પહેલા નવો રસ્તો બનાવ્યો, પછી ડ્રેનેજના કામ માટે તેને ખોદી નાખ્યો, ચોમાસુ નજીક છે અને હજુ યોગ્ય રસ્તો બન્યો નથી.” જો તંત્રના અધિકારીઓએ સમયસર આયોજન કર્યું હોત તો આ હાલત જ ન ઉભી થાત. આ કામની સમય મર્યાદા ચોમાસાને બાદ કરતા ત્રણ માસની રાખવામાં આવી છે. પરંતુ વોર્ડ 11ના અધિકારીઓએ ઉતાવળ કરી ચોમાસાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને કામગીરી શરૂ કરવી દેતા ચોમાસા પહેલા આ કામ પૂરું થશે કે કેમ તેને લઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. સમગ્ર મામલે પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેર દર્શિન મહેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.


તંત્રની ઢીલી કામગીરીએ રહીશોને ચિંતામાં મૂક્યા

વડોદરા શહેરમાં એકતરફ વિશ્વામિત્રી જેવો મહત્વનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેવામાં મુખ્યત્વે અધિકારીઓ આ પ્રોજકેટમાં વ્યસ્ત છે. તેમની ગેરહાજરીમાં ક્યાંક વોર્ડમાં કામ કરતા અધિકારીઓ અને કર્મીઓ ક્યાંક પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ 11માં ચાલી રહેલી વરસાદી ગટરની કામગીરીમાં ત્રણ માસની સમય મર્યાદા હતી પરંતુ અધિકારીઓએ યોગ્ય આયોજન વિના જ આ કામ શરૂ કરી દેતા હવે 10 દિવસમાં એટલે કે ચોમાસા પહેલા પૂર્ણ થશે કે કેમ તેને લઈને હવે સ્થાનિક રહીશો ચિંતામાં મુકાયા છે. કેમ કે તાજેતરમાં જ ખાબકેલા એક ઇંચ વરસાદમાં સ્થાનિકોને કડવો અનુભવ થઈ ચૂક્યો છે.

Most Popular

To Top