Vadodara

ગાજરાવાડી સુએઝપંપ નજીકના દશામાના મંદિર પાસે નર્કાગાર જેવી સ્થિતિમાં રહેતા લોકો

અભ્યાસ કરતા બાળકો,નોકરી ધંધો કરતા લોકો સહિત નાગરિકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે
અહીં સફાઇ સુદ્ધાં કરવામાં આવતી નથી જેના કારણે રોગચાળો અહીં વધુ ફેલાય છે

વડોદરા: શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના પંપ નજીક દશા માતાનું મંદિર આવેલું છે .અહીં લોકો રહે છે. છતાં અહીં ગંદું પાણી છોડવામાં આવે છે. જેના કારણે સ્થાનિકો નર્કાગાર સ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે.

ગતરોજ રાત્રે થોડોક વરસાદ બાદ આ વિસ્તારમાં અન્ય જગ્યાના ગંદા પાણી છોડતાં અહીં દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાયાં હતાં. જેના કારણે સ્થાનિકો દુર્ગંધયુક્ત ગંદા પાણીથી પરેશાન થઇ ગયા છે અને પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મનુભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી આ સમસ્યા છે જે અંગેની સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ અને પાલિકા કચેરીએ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિકાલ આવ્યો નથી કે કોઇ રાજકારણીઓ, પાલિકાના અધિકારીઓ જોવા સુદ્ધાં આવતા નથી . અહીં ગંદકીને કારણે લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે અભ્યાસ કરતા બાળકો, નોકરી ધંધો કરતા લોકો સહિત અન્ય નાગરિકો પણ આવા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે.આ વિસ્તારમાં સફાઇ તરફે પણ પાલિકા તંત્ર ધ્યાન આપતું નથી તેવા પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. આજે સવારે અહીં ગંદું પાણી છોડવામાં આવતાં રોડ રસ્તાઓ પર, રહેણાંક વિસ્તાર અને દશામાં ના મંદિર પાસે ગંદાં દુર્ગંધયુક્ત પાણીનો ભરાવો થઇ ગયો છે. છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.

Most Popular

To Top