જેનો ભય હતો તે જ થયું. સિંગાપોર અને હોંગકોંગમાં જ્યારે કોરોનાના કેસ વધ્યા ત્યારે જ કહ્યું હતું કે, ગુજરાત અને ભારતમાં જો ધ્યાન આપવામાં નહીં આવે તો કોરોનાના કેસ વધશે. આજે દેશમાં કોરોનાના 1200થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 12ના મોત પણ થઈ ચૂક્યા છે. સંક્રમિતોમાં મોટી સંખ્યામાં તબીબો પણ છે. છેલ્લા એક જ અઠવાડિયામાં ભારતમાં કોરોનાના કેસમાં 850નો વધારો થયો છે તે ખુબ જ ગંભીર બાબત છે. કોરોનાના એક્ટિવ કેસોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં 352 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 316 દર્દી એકલા મુંબઈમાં જ છે.
આ પછી, કેરળમાં સૌથી વધુ કોરોના દર્દીઓ 430 છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 66, કર્ણાટકમાં 36, ગુજરાતમાં 17, બિહારમાં 5 અને હરિયાણામાં 3 નવા કેસ નોંધાયા છે. નોર્થ- ઈસ્ટમાં પણ કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે. મંગળવારે અરુણાચલ પ્રદેશમાં બે મહિલાઓ કોરોના પોઝિટિવ મળી હતી. તાજેતરમાં જ યુપીમાં કોરોનાના નવા વેરિએન્ટને કારણે એક 78 વર્ષિય વૃદ્ધનું મોત પણ થયું હતું. દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કુલ 11 દર્દીઓના મોત થયા છે. બે દિવસ પહેલા જ જયપુરમાં કોરોનાના બે દર્દીના મોત થયા હતા.
જ્યારે મહારાષ્ટ્રના થાણેમાં એક કોરોના પોઝિટિવ મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે જ તેનું મોત થયું હતું. કર્ણાટકમાં પણ થોડા દિવસ પહેલા કોરોનામાં મોત થયું હતું. જ્યારે કેરળમાં પણ કોરોનાથી બેના મોતનો આંકડો નોંધાયો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 4 વેરિઅન્ટ મળી આવ્યા છે. આમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 વેરિઅન્ટનો સમાવેશ થાય છે. હાલમાં પણ કોરોનાના જે દર્દીઓ મળી રહ્યા છે તેમના પણ નમુના લઈને જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જીનોમ સિકવન્સિંગથી નવા વેરિએન્ટ શોધી શકાય છે. કોરોનાના ભલે કેસ વધ્યા હોય પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા તેને ચિંતાજનક ગણતી નથી. નવા વેરિએન્ટની માહિતી મેળવવામાં આવી રહી છે પરંતુ તે ગંભીર મુદ્દો નથી. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે. જોકે, એક વાત ચોક્કસ છે કે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે.
કોરોના સામે ઊભી થયેલી રોગપ્રતિકારક શક્તિની પણ આની પર અસર થતી નથી. ભારતમાં જે કોરોનાના કેસ મળી રહ્યા છે તેમાં મોટાભાગના કેસમાં કોવિડનો JN.1 વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે. આ પછી, BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિઅન્ટના કેસ પણ જોવા મળે છે. JN.1 એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. તે પહેલી વાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, WHO એ તેને ‘વેરિઅન્ટ એફ ઈન્ટરેસ્ટ’ જાહેર કર્યો. તેમાં લગભગ 30 મ્યુટેશન્સ છે. આ વેરિએન્ટના લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયા સુધી રહી શકે છે. જે જોખમી છે.
હાલના સમયમાં ભલે કોરોનાના કેસને એટલા ગંભીર ગણવામાં આવી રહ્યા નથી પરંતુ જે રીતે કોરોના વાયરસમાં મ્યુટેશન થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. એવું નથી કે કોરોના થવા છતાં મોત થતા નથી. જે દર્દીને વધુ કોમ્પ્લિકેશન હોય છે તે દર્દી માટે કોરોના જીવલેણ બની રહ્યો છે. કોરોનાની રસીના ડોઝ લીધા હોવા છતાં પણ કોરોના થઈ રહ્યો છે. હાલમાં એટલી રાહત છે કે કોરોના થવા છતાં પણ દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી. જેને કારણે દર્દીનો જીવ બચાવી શકાય છે. જોકે, કોરોનાના મામલે ગાફેલ રહેવું સ્હેજેય પાલવે તેમ નથી. તંત્રએ કોરોનાના વધતા કેસો પર ધ્યાન રાખીને તેનું જીનોમ સિકવન્સિંગ કરતાં જ રહેવું પડશે. તો જ કોરોના પર કંટ્રોલ રહેશે તે નક્કી છે.