Vadodara

પાદરા-જંબુસર રોડ પર ચાર વર્ષના બાળકના માથા પર ટેન્કરના તોતિંગ ટાયર ફરી વળતા મોત

મામા બીમાર ભાણિયાને લઈને બાઈક પર દવાખાને જતા હતા અને અકસ્માતમાં મોત ભેટી ગયું
વડોદરા: પાદરા-જંબુસર રોડ પર ગવાસદ ગામ નજીક ભર પોરે કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો . ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ટક્કર થતાં એક ચાર વર્ષના બાળકનુ કરુણ મોત થયું હતું.

ગવાસદ ગામ નજીક થી પુર ઝડપે પસાર થતી ટાટા ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જમણા ટ્રેક પરથી અચાનક ડાબી સાઇડના ટ્રેક પર ટેન્કર જતું રહ્યું હતું. સામેની સાઇડ પરથી આવી રહેલા મોટરસાયકલને આંખના પલકારામાં ધડાકાભેર અડફેટમાં લેતા જ કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ ચાલક જયેશકુમાર પુનમભાઈ પઢિયાર (ઉ.વ. 22, રહે. ગજેરા, જંબુસર) તેમના બહેન લક્ષ્મીબેન અને તેના બે પુત્રો હર્ષકુમાર (ઉ.વ. 4 વર્ષ) અને યશરાજ (ઉ.વ. 9 મહિના) કરુણ ચીસો પડતા માર્ગ પર પટકાયા હતા.
ગણતરીની મિનિટોમા મોટરસાયકલ ટેન્કરના ટાયર નીચે આવી ગઈ અને આશરે 15 ફૂટ સુધી ઘસડાઇ હતી.ચાર વર્ષના માસુમ હર્ષનું માથું કાળ સમાન ટાયર નીચે આવી જતા ખોપરી છુંદાઈ ગઈ હતી. લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતા માસૂમે માતા અને મામાની નજર સામે સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. જયેશકુમારને હાથ, પગ, પીઠ અને કપાળ પર ઇજાઓ થઈ હતી. લક્ષ્મીબેનને જમણા હાથમાં ફ્રેક્ચર અને જમણા પગના નળા તથા ઘૂંટણ પર ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે. નવ મહિનાના યશરાજને પણ માથામાં ઇજા પહોંચી હતી.
ખાનગી કંપનીમાં નોકરી કરતા જયેશભાઈએ જણાવ્યું હતું કે ભાણિયો બહુ બિમાર થઈ જતા બહેને ફોન કરીને ભાઈને બોલાવ્યો હતો અને બંને ભાઈ બહેન માસુમ ભાણીયાઓને લઈને દવાખાને જઈ રહ્યા હતા. દવાખાનું આવે તે પહેલા કાળ ભેટી ગયો હતો.વડુ પોલીસ મથકમાં ગુના સંબંધીત ફરિયાદ નોંધાતા પીએસઆઇ એસ એચ પાટીલે ટ્રક ચાલકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અકસ્માતના પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી માસુમ મૃતકના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. માત્ર ચાર વર્ષના નાની ઉમરે જ હર્ષનું અવસાન સમગ્ર પરિવાર માટે હ્રદયદ્રાવક ક્ષણ બની છે.

Most Popular

To Top