Dahod

મનરેગા કૌભાંડના આરોપી બંને મંત્રી પુત્રોના જામીન મંજૂર

દાહોદ :

દાહૉેદના બહુચર્તિત મનરેગા કૌભાંડમાં દાહોદ પોલીસ દ્વારા આરોપીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બે પુત્રો જેમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડ જેલવાસ ભોગવી રહ્યાં હતાં. ત્યારે આજરોજ આ બંન્ને પુત્રો દ્વારા પોતાની જામીન અરજી માટે દાહોદની કોર્ટમાં અરજી કરતાં દાહોદની કોર્ટ દ્વારા આ બંન્ને આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યાં છે.


દાહોદમાં બહુચર્ચિત મનરેગા કૌંભાંડમાં દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મનરેગામાં ૭૧ કરોડનું કૌંભાંડ થયું હોવાની ફરિયાદ દાહોદ પોલીસ મથકે નોંધાંવી હતી. આ પોલીસ ફરિયાદ બાદ દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં એક પછી એક સરકારી બાબુઓ તેમજ એજન્સીના માલિકોની અટકાયત કરી આ તમામ આરોપીઓને દાહોદ પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હતાં. ત્યારે તપાસનો રેલો આગળ વધતાં થોડા દિવસો પહેલા દાહોદ પોલીસે રાજ્ય મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની પણ મનરેગા કૌંભાંડમાં ધરપકડ કરી હતી અને દાહોદની કોર્ટમાં રજુ કરતાં દાહોદની કોર્ટ દ્વારા આ બંન્ને આરોપીઓના પોલીસ રિમાન્ડ પણ મંજુર કર્યા હતાં. ત્યારે આ બંન્ને આરોપીઓના પોલીસ રિમાન્ડ પુર્ણ થયા બાદ બંન્ને મંત્રી પુત્રોને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. આ પ્રકરણમાં એક તરફ મંત્રી પુત્રો જેલવાસ ભોગવી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ દાહોદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન પણ થયું હતું જેમાં મુખ્યત્વે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડને આ વડાપ્રધાનના કાર્યક્રમમાંથી દુર કરવાના નિર્ણય સાથે રાજકીય ભુકંપ પણ સર્જાયો હતો. દાહોદ તેમજ રાજ્યના સત્તાધારી પક્ષના લોકો હાલ મંત્રી બચુ ખાબડના સંપર્કમાં ન આવવાનો તેમજ તેમનાથી દુર રહેવાના જાણે અંદરખાને નિર્ણયને પગલે લોકોમાં આશ્ચર્ય પણ સર્જાયુ હતું. આ મનરેગા કૌંભાંડમાં મંત્રી બચુ ખાબડની પડખે તેઓના સહગીઓ પણ મંત્રી બચુ ખાબડથી હાલ અળગા રહેતાં દેખાઈ રહ્યાં છે. મંત્રીની તરફેણમાં કોઈ રાજકીય પક્ષ પણ ઉભો રહેવા તૈયાર નથી ત્યારે આજરોજ મંત્રીના બંન્ને પુત્રો દ્વારા દાહોદની કોર્ટમાં જામીન અરજી કરતાં દાહોદની કોર્ટ દ્વારા મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામની મંજુર કરવામાં આવ્યાં છે.

————————————————

Most Popular

To Top