જાપાનને પાછળ મૂકી દઇને ભારત એ વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે એમ નીતિ આયોગના વડાએ હાલમાં જાહેર કર્યું છે. નીતિ આયોગના વડા સુબ્રમણ્યમે કહ્યું કે એકંદરે ભૂરાજકીય અને આર્થિક વાતાવરણ ભારત માટે અનુકૂળ છે. મેં કહ્યું તેમ આપણે ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છીએ એમ તેમણે જણાવ્યું હતું. IMFના આંકડા ટાંકીને સુબ્રમણ્યમે કહ્યું કે આજે ભારત જાપાન કરતા મોટું છે.
2024 સુધી ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. IMFએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત 2025 માં 4.19 ટ્રિલિયન ડોલરના GDP સાથે જાપાનથી આગળ વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાની ધારણા છે.IMF એ જણાવ્યું હતું કે 2025 (FY26) માટે ભારતનો નોમિનલ GDP 4.187 બિલિયન ડોલર રહેવાની ધારણા છે જે જાપાનના સંભવિત GDP કરતા થોડો વધારે છે. જો કે અહીં દેશની વસ્તીઓની વિશાળતાઓ પણ ધ્યાનમાં રાખવા જેવી છે.
જાપાન એ ભારત કરતા ખૂબ ઓછી વસ્તી ધરાવતો દેશ છે છતાં લાંબા સમય સુધી ભારત કરતા આગળ રહ્યો છે. જર્મનીની વસ્તી પણ ભારત કરતા ઘણી જ ઓછી છે છતાં તેનું અર્થતંત્ર્ર હજી ભારત કરતા મોટું છે. ભારત આજે ૧૧૪ કરોડ જેટલી વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. હાલ થોડા સમય પહેલા જ તેણે વસ્તીની બાબતમાં ચીનને પાછળ મૂકી દીધું છે. આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશની કુલ ઘરેલુ પેદાશ વધારે હોય તે સ્વાભાવિક છે. ભારતની ઔદ્યોગિક પ્રગતિની સાથો સાથ તેની વિશાળ વસ્તીએ પણ તેના જીડીપીના વધારામાં મોટો ફાળો આપ્યો છે.
જો કે એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાક સમયમાં ભારતે ઝડપી વિકાસ કર્યો છે. અને કોરોના રોગચાળા પછીના સમયમાં તો તે વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસતું મોટું અર્થતંત્ર બની ગયું છે. જો કે હમણા છેલ્લા કેટલાક સમયથી તેના વિકાસની ગતિ ધીમી પડી છે. IMF એ તેના WEO રિપોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે 2025-26 માં ભારતીય અર્થતંત્ર 6.2 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે અગાઉના અંદાજિત 6.5 ટકાના દર કરતાં ધીમું છે, કારણ કે વેપાર તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો થયો છે.
ભારત માટે, 2025 માં વૃદ્ધિનો અંદાજ 6.2 ટકાના દરે વધુ સ્થિર છે, જેને ખાનગી વપરાશ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં એમ IMF એ જણાવ્યું હતું. હવે તે ચોથા સ્થાન આવ્યું છે. ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા મોટા છે, અને જો આપણે જે આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે વિચારવામાં આવી રહ્યું છે તેને વળગી રહીશું, તો 2.5-3 વર્ષમાં, આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું એમ નીતિ આયોગના વડાએ કહ્યું છે.
જીડીપીની રીતે અર્થતંત્ર મોટું બન્યું હોવા છતાં ભારતની માથાદીઠ આવક ઓછી જ રહી છે. ભારત જાપાન કરતા મોટું અર્થતંત્ર બની ગયું હોવા છતાં જાપાન કરતા તેની માથાદીઠ આવક બાર ગણી ઓછી છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની માથાદીઠ આવક વધી છે ખરી. IMF ના ડેટા અનુસાર, ભારતની માથાદીઠ આવક 2013-14 માં 1,438 ડોલર હતી તેના પરથી બમણી થઈને 2025માં 2,880 ડોલર થઈ ગઈ છે. છતાં હજી તે વિકસીત દેશોન સરખામણીમાં ઘણી ઓછી છે. હવે ભારત ઉંચી આવક ધરાવતા દેશોમાં સ્થાન પામવાનો હેતુ ધરાવે છે.
જો કે ભારત આજે આર્થિક રીતે મજબૂત બન્યો હોવા છતાં તેની પ્રજાની સુખાકારી ઘણી ઓછી છે તે કઠોર વાસ્તવિકતા છે. માથાદીઠ આવક વધુ હોય તેમ છતાં વિશાળ વસ્તીને કારણે સાધનો, સ્ત્રોતો ટાંચા પડતા હોય તો મોંઘવારી વધે, લોકોની આવક ટાંચી પડે અને સ્વાભાવિક રીતે પ્રજાની સુખાકારી ઘટે. આથી પ્રજાની સુખાકારી વધારવાની બાબતમાં ભારતે ઘણુ કરવાનું બાકી છે અને પ્રજાકીય શિસ્ત પણ કેળવવી જરૂરી છે.