પેવર બ્લોક નાખવાની કામગીરી અધૂરી છોડી દેતા વરસાદમાં રસ્તા પર ખાડો સર્જાયો, ગાડી ફસાઈ
નાગરિકોને ભારે મુશ્કેલી, તંત્ર સામે રોષ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પેવર બ્લોક નાખવાની કામગીરી અધૂરી છોડી દેવાના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના કારેલીબાગ હરણી રોડ પર, મોડી રાત્રે થયેલા ભારે વરસાદમાં એક પાર્ક કરેલી ગાડીનો ભાગ અધૂરી છોડી મુકવામાં આવેલા કામગીરીમાં ફસાઈ ગયો. વરસાદના પાણી ભરાતા ગાડી ખાડામાં ઉતરી ગઈ અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી.

આ ઘટના મહાનગરપાલિકા દ્વારા કામગીરીમાં દેખાવતી બેદરકારી અને અપૂર્ણ આયોજનનો જીવંત નમૂનો છે. અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી જ રીતે અધૂરી કામગીરી અને ખોટી યોજના કારણે રસ્તાઓ પર ખાડા, પાણી ભરાવા અને વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. નગરસેવકો અને સ્થાનિક નાગરિકોની વારંવાર ફરિયાદ છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે નાગરિકોની સલામતી જોખમાય છે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરના રસ્તાઓ અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે.