નસવાડી: નસવાડી તાલુકાના બરોલીથી હરિપુરા જવાના રસ્તા ઉપર કોતર ઉપર નાનો પૂલ બનાવવાની કામગીરી ચાલે છે. કમોસમી વરસાદ બે દિવસ સતત પડતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જયારે સ્લેબ ડ્રેઇનની કામગીરી અધૂરી છે એપ્રોચ રોડના બંને છેડા ઉપર પાંચ પાંચ મીટર માટી પૂરેલી છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

નસવાડી તાલુકાના બરોલી થી હરિપુરા વદેસિયા તેમજ અન્ય 5 ગામોને જોડતો મુખ્ય રસ્તો આવેલો છે. પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એક કરોડના ખર્ચે કોતર ઉપર નાનો પૂલ બનાવવામાં આવી રહ્યો છે. જયારે કોન્ટ્રાક્ટર દ્વારા પૂલ ની સાઈડમાં કાચું ડાયવર્ઝન વાહનોને પસાર થવા માટે બનાવ્યું હતું. પરંતુ ભારે વરસાદ પડતા ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનોને સ્લેબ ડ્રેઇન ઉપરથી પસાર થવું પડે છે. સ્લેબ ડ્રેઇનની કામગીરી અધૂરી છે ત્યારે પૂલના એપ્રોચ રોડની દીવાલોની કામગીરી ચાલે છે અને એપ્રોચ રોડ માં માટી પુરાણ હોવાથી વરસાદ પડતાની સાથેજ વાહન લઈને નીકળી શકાતું નથી. આ રસ્તા ઉપરથી 108 એમ્બ્યુલન્સ અને ભારદારી વાહનો પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી. જયારે કોન્ટ્રાક્ટર દ્વારા લોકોને જાણકારી મળે તે માટે કોઈ પણ જાતના કામગીરી ચાલુ ના બોર્ડ માર્યા નથી. હાલ તો વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જયારે આ નાના પૂલની કામગીરી પૂર્ણ કરવા માટે હજુ દિવસો લાગે તેમ છે. જયારે કમોસમી વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આ 5 ગામોના લોકોમાં ચિંતા છે. ડાયવર્ઝન તૂટી ગયું છે, જેના ઉપર થી નીકળાય તેમ નથી. નાના પૂલની કામગીરી અધૂરી છે, ત્યારે વધારે વરસાદ પડે અને રસ્તાઓ બંધ થઇ જાય તો લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કામગીરી શરુ કરાવે તે વખતે ડાયવર્ઝન યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન આપતા નથી. સરકાર ડાયવર્ઝન બનાવવા માટે એસ્ટીમેન્ટ માં અલગ થી રકમ આપે છે, પરંતુ અધિકારીઓની નિષ્કાળજીના કારણે પ્રજાને ભોગ બનવું પડે છે.
અર્જુનભાઈ રાઠવા, રાહદારી ના જણાવ્યા મુજબ ; આ રસ્તા ઉપર લો લેવલ નો કોઝ વે તોડી ને નાનો પૂલ બની રહ્યો છે ડાયવર્ઝન સારું ના બનાવતા થોડાક જ વરસાદ માં ડાયવર્ઝન ઉપર થી નીકળાતું નથી પૂલ ની કામગીરી અધૂરી છે જયારે અધિકારીઓ આવીને ડાયવર્ઝન ની કામગીરી યોગ્ય રીતે કરાવે અને રસ્તો ચાલુ રહે તેવી કામગીરી કરે તે અમારી માંગ છે