આધાર કાર્ડમાં નગરસેવિકા ટ્વિંકલ ત્રિવેદીના નામે નકલી સહી અને સિક્કા લગાવવાનું કૌભાંડ સામે આવ્યું, તાલુકા પોલીસ તપાસમાં લાગી, ગેરકાયદેસર કામગીરી સામે કડક કાર્યવાહીની માંગ

વડોદરા: ભાયલી વિસ્તારમાં આવેલી CSC (સેન્ટ્રલ સર્વિસ સેન્ટર) માં નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ કૌભાંડનો પર્દાફાશ ભાજપની નગરસેવિકા અને સામાજિક કાર્યકર્તા ટ્વિંકલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આધાર કાર્ડમાં સુધારાઓ માટે ટ્વિંકલ ત્રિવેદીના નામે સહી અને સિક્કા લાગ્યા હતા, જે ખરેખર તેમણે ક્યારેય કર્યા નહોતા.
ટ્વિંકલ ત્રિવેદીએ જણાવ્યું કે, હાલમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને સરકાર દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. આવી સ્થિતિમાં નકલી આધાર કાર્ડ બનાવવાનો કૌભાંડ ખૂબ ગંભીર અને ચિંતાજનક બાબત છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં તેઓ તાત્કાલિક તાલુકા પોલીસ મથક પહોંચીને ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ માટે પોલીસને જાણ કરી છે.
તાલુકા પોલીસ આ મામલે તત્કાળ કાર્યવાહી શરૂ કરી છે અને સંબંધિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ટ્વિંકલ ત્રિવેદીનો કહેવું છે કે, આ પ્રકારની ગેરરીતિઓ સામે કડક પગલાં લેવામાં આવવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા કૌભાંડને રોકી શકાય.
ટ્વિંકલના પતિના ધ્યાનમાં આ સમગ્ર મામલો આવતા, તેઓએ પણ આ મુદ્દે સક્રિય ભૂમિકા ભજવી છે અને પોલીસ સાથે મળીને તાત્કાલિક કાર્યવાહી માટે પ્રયત્નશીલ છે. આ ઘટના વડોદરામાં નાગરિકો માટે એક ચેતવણીરૂપ છે કે તેઓ પોતાના આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની સુરક્ષા માટે સાવચેત રહે અને કોઈ પણ ગેરરીતિ સામે અવાજ ઉઠાવે.
આ કૌભાંડની તપાસ હજુ ચાલુ છે અને પોલીસ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવશે.