પ્રિ-મોનસૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસના ચિરાગ શાહે VMC સામે ઉઠાવ્યા સવાલ, તાત્કાલિક પગલાંની માંગ
વડોદરા: વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ભારે ગરમી છતાં વરસાદ વગર જ મુખ્ય ગરનાળું પાણીથી ભરાઈ ગયું છે. આ કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા પાર કરવા ગંદા, દૂષિત અને દુર્ગંધ વાળા પાણીમાં પગ મૂકી જવા મજબૂર છે, જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે.
સ્થાનિકોએ આ સમસ્યા અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહનો સંપર્ક કર્યો હતો. ચિરાગ શાહ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મીડિયા સમક્ષ જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોનસૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ગરનાળાની યોગ્ય સફાઈ ન કરવામાં આવતાં આ સ્થિતિ સર્જાઈ છે. ચિરાગ શાહે તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિયતા પર કડક ટિપ્પણી કરી અને તાત્કાલિક પગલાં લેવા માગણી કરી.
તેમણે જણાવ્યું કે VMCને પારદર્શક અને જવાબદાર કામગીરી કરવી જોઈએ જેથી આવનારા મોસમમાં આ પ્રકારની સમસ્યાઓ ફરી ન થાય. સ્થાનિકો આશા રાખે છે કે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી થશે અને સામાન્ય જીવન પર પડતો આઘાત દૂર થશે.