Vadodara

વડોદરામાં ભૂતડીઝાંપા રોડ પર વરસાદી કાંસના ચેમ્બર ખુલ્લા કરાયા


ભૂતડીઝાંપા રોડ પર વરસાદી કાંસના ચેમ્બર ડામરથી ભરાઈ જતા તંત્ર દોડ્યું

પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાના આક્ષેપ બાદ તાત્કાલિક કાર્યવાહી, કેચપીટમાંથી પ્લાયવુડ અને ડામર કાઢવાની કાર્યવાહી શરૂ કરાઇ

વડોદરા : શહેરના ભૂતડીઝાંપા રોડ પર વરસાદી પાણીની નિકાસ માટે બનાવવામાં આવેલા કાંસના ચેમ્બર ડામરથી ભરાઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ચેમ્બરમાં પાણી નિકાસ માટે જરૂરી કેચપીટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેમાં પ્લાયવુડ જેવી અસામાન્ય વસ્તુઓ પણ જોવા મળી છે.
જાગૃતિ રાણાએ જણાવ્યું કે, લિક્વિડ સીલકોટ કરતી વખતે કચેરી દ્વારા યોગ્ય કાચપિટ ન બનાવવાનો અને 30 મીટર સુધી પાણી નિકાસ માટે માર્ગ ન છોડવાનો પણ આક્ષેપ કર્યો છે. આ કારણે વરસાદી પાણી નિકાસમાં અવરોધ સર્જાયો હતો અને આ વિસ્તારમાં પાણી ભરાવટની સમસ્યા ઊભી થઈ હતી.

આ મુદ્દો મીડિયા દ્વારા ઉઠાવવામાં આવતા તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ કેચપીટ ખુલ્લા કરાવ્યા છે. તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, પાણીની યોગ્ય નિકાસ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને આવનારા સમયમાં આવી સમસ્યાઓ ફરી ન થાય તે માટે કડક નિયંત્રણ રાખવામાં આવશે.

પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ આ કાર્યવાહી માટે તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે, નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે તંત્રની જાગૃતિ જરૂરી છે અને આવું જ તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવવું જોઈએ.

Most Popular

To Top