સ્થાનિકોને GEB ની કચેરીએ ફરિયાદ કરતા અધિકારીઓએ ધક્કા મારી બહાર કાઢવાની ધમકી આપી
સ્થાનિકોની કામચોર અધિકારીઓ પર તરત કાર્યવાહી કરવાની માંગ

વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં વહેલી સવારથી વીજળી ગુલ રહી હતી. સવારે 6 થી 11 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામ માટે વીજળી બંધ રહેવાની જાહેરાત હોવા છતાં, બપોર સુધી વીજ પુરવઠો ચાલુ ન થવાને કારણે લોકો ભારે ગરમીથી પરેશાન હતા. હાલની તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર છે, જે ગરમીને વધુ અસહ્ય બનાવી રહ્યું છે.

વિજળી વિતરણ માટે જવાબદાર જીઈબી ઓફિસનો ફોન પણ બંધ રહ્યો અને અધિકારીઓની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. જ્યારે સ્થાનિકો વીજળી ચાલુ કરાવવા માટે જીઈબી કચેરી પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ ધક્કા મારી બહાર કાઢવાની ધમકી આપી, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ગરમીમાં પંખા વગર રહેવા મજબૂર થયા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, મેન્ટેનન્સ માટે સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે એમ જણાવ્યું હતું, પરંતુ બપોરના 2 વાગ્યા સુધી પણ વીજળી પુરવઠો શરૂ ન થયો, જે અસહ્ય ગરમીમાં લોકો માટે ગંભીર સમસ્યા બની છે. અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી.
સ્થાનિકો માંગ કરે છે કે આવી બેદરકારી અને દાદાગીરી કરનાર અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.