સતત ફોનમાં પર સ્ત્રી સાથે વાતો કર્યા કરતા પતિના કારણે દાંપત્યજીવન બગડતું હોય તેવું લાગતા પરિણીતાએ અભયમનો સંપર્ક કર્યો
વડોદરા તારીખ 22
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરે આવતી તેમની જ સહેલી સાથે પતિએ સબંધ બનાવી લીધા હતા. પત્ની દ્વારા પતિને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તેઓ સમજતા ન હતા અને અન્ય સ્ત્રી સાથે જ મોબાઈલ પર સતત વાત કરવા સાથે મેસેજ કરી વ્યસ્ત રહેતા હતા. જેથી પરિણીતાને પોતાનું દાંપત્ય જીવન મુશ્કેલીમાં મુકાતું હોય જણાતાં તેઓએ અભયમ પાસે મદદ માગી હતી. સયાજીગંજની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી મહિલાના પતિનુ અસરકારક કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. ઉપરાંત પતિને સુખી દામ્પત્યજીવન જીવવા માર્ગદર્શન પણ આપ્યું હતું. જેથી પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી પોતાની પત્નીને કોઈ હેરાન નહી કરવા સાથે અને અન્ય સ્ત્રી સાથે પણ કોઈ સંબંધ નહી રાખું તેમ પતિએ ખાતરી આપી હતી.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતી એક પરિણીતા ના ઘરની પાસેના બ્લોકમાં તેમની મહિલા ફ્રેન્ડ રહે છે. આ યુવતી અવારનવાર પરિણીતાના ઘરે અવરજવર કરતી હતી. દરમિયાન પરિણીતાના ઘરમાં હાજર તેમના પતિ સાથે તેની મિત્રની ઓળખ થઈ હતી. નિયમિત આવતી યુવતી તેમના પતિના સમ્પર્કમાં આવી હતી. ત્યારબાદ આ યુવતી અને પરિણીતાના પતિ સાથે મિત્રતાનો દોર શરૂ થયો હતો. આ બાબતની જાણ પત્નીને થતા તેઓએ પોતાના પતિની પૂછપરછ કરી હતી પરંતુ પતિ ઉડાઉ જવાબ આપવા સાથે આતો ફકત બોલચાલ ના સંબંધ છે તેમ કહી વાત ટાળી નાખતો હતો. પરતું લાંબા સમય સુધી પતિ તેમની સાથે મોબાઈલ અને મેસેજમાં સમય વિતાવતા હતા તેમ છતાં પતિ પત્નીની વાત માનવા તૈયાર ન હતા. જેથી બંનેના સંબંધોથી કંટાળીને પરીણિતા પોતાની દીકરીને લઇને પીયર આવી ગઈ હતી પરતુ થોડા દિવસો બાદ પરીણિતાને એવું લાગ્યું કે મારુ અને દીકરીનું ભવિષ્ય બગડશે. જેથી તેઓ સાસરીમા પતિ પાસે આવી હતી. પરંતુ પતિના વ્યવહારમાં કોઈ ફરક ના પડતા તેઓને લગ્ન જીવનની ડોર ટુટતી હોય તેવું જણાઈ આવતા તેઓએ અભયમની મદદ માગી હતી. અભયમ ની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના પર પહોંચી મહિલાના પતિનું અસરકારક કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ પતિને માહિતગાર કરવામાં આવ્યા હતા કે હયાત પત્ની હોવા છતા અન્ય સ્ત્રી સાથે સબંધ રાખશો તો તમારા જ દામ્પત્ય જીવનને નુકશાન પહોંચાડશે. આ સંબંધને સામાજિક કે કાયદાકીય કોઈ સમર્થન નથી. હજુ પણ સમય છે કે સ્ત્રી મિત્રને ભુલી જાવ અને પત્ની તેમજ બાળકી સાથે આનંદથી રહો. પતિ ને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી કોઈપણ પ્રકારના અન્ય સબંધ નહી રાખે તેની ખાત્રી આપતા પરીણિતાને ખુબ રાહત પહોચી હતી. આમ અસરકારક કાઉન્સિલિંગ દ્વારા એક તૂટતો પરિવાર બચાવવામાં અભયમ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.