વડોદરા: વડોદરા શહેરમાં આગામી 26મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત નિર્ધારિત છે. તેઓ એરપોર્ટ નજીક થનારા એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ લગભગ 10 મિનિટનો રહેશે, છતાં સુરક્ષા અને વ્યવસ્થાપનને લઈને તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ પગપાળા ચાલીને એરપોર્ટ સર્કલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ રોડ અને આજુબાજુની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
વડાપ્રધાનની મુલાકાતને પગલે એરપોર્ટ વિસ્તારમાં તંત્ર કામે લાગ્યું છે. વૃક્ષોના ટ્રિમિંગ અને સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. એરપોર્ટમાં પોલીસ અને સુરક્ષા દળોના વાહનોનો ધમધમાટ વધ્યો છે. આ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનની પહેલી મુલાકાત છે, જેને લઈને શહેરમાં ઉત્સાહ છે. કાર્યક્રમમાં ખાસ કરીને નારીશક્તિના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહે એવી યોજના બનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ સુરક્ષા, ટ્રાફિક અને સ્થળ વ્યવસ્થા અંગે ચર્ચા કરી. વડાપ્રધાન મોદી રોડ શો પણ કરી શકે છે તેવી શક્યતા છે, તેથી પોલીસે પણ ખાસ તૈયારીઓ શરૂ કરી છે.