પાદરા એસબીઆઈના પૂર્વ મેનેજર અને બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ છેતરપિંડીની વધુ એક ફરિયાદ
પાદરા: ચોક્સી બજાર બ્રાન્ચના પૂર્વ મેનેજરે પોતાના હોદ્દાનો તદ્દન દૂરૂપયોગ કરી મિલકતના દસ્તાવેજોની કોઈ પણ જાતની ખરાઈ કર્યા લોન પાસ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં વૈકુંઠ સોસાયટીના વિભાગ બે માં રહેતા દિલીપ બાબરભાઈ બામણિયા પાદરા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બ્રાન્ચ મેનેજર પદે ફરજ બજાવે છે. તેઓએ પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વર્ષ ૨૦૨૨ના જુન માસની ચૌદમી તારીખે પૂર્વ મેનેજર સુનિલ કુમારે ડેપ્યુટી બ્રાંચ મેનેજર સુપ્રભાત કુમાર સાથે ભેગા મળી મેસર્સ એકલવ્ય ગ્રુપના પ્રોપાયટર પ્રિન્કલ નીરજ ધનુરધારી (રહે: 6 નિજાદ બંગલો, અંબિકા એપાર્ટમેન્ટ સામે , ડભોઇ)ને 10 લાખની લોન મંજૂર કરી ને આપી હતી. લોન પેટે મોર્ગેજમાં મુકેલા સ્ટોકને પણ સગેવગે કરી દીધો હતો અને બેંકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ડેપ્યુટી મેનેજરે લોન માટે આપેલા ડોક્યુમેન્ટ્સની કોઈ પણ પ્રકારની ખરાઈ કરી ન હતી અને સ્થળ ઉપર જઈને ઇન્સ્પેક્શન કર્યા વગર મેનેજરે અભિપ્રાય આપી દીધા બાદ 10 લાખની લોન પણ મંજૂર કરી હતી. પૂર્વ મેનેજર, પુર્વ ડેપ્યુટી મેનેજર પ્રોપરાઈટર સામે આખરે કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા શાખા પ્રત્યે નગરવાસીઓનો વિશ્વાસ ઘટતો જાય તેવી છેતરપિંડી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થતી જાય છે. ભૂતકાળમાં પણ આજ ઠગ બેલડીએ કોઈપણ જાતના દસ્તાવેજી પુરાવાઓની યોગ્ય ચકાસણી કર્યા વગર લાખો રૂપિયાની લોનો મંજૂર કરી દીધી હતી. એવું પણ કહેવાય છે કે લોન પાસ કરાવવા લાખો રૂપિયાનું કમિશન પણ ગઠિયાઓએ લોન ધારકો પાસેથી ખંખેરી લીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાદરા કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર 26/ 2024 થી અરજી દાખલ કરવામાં આવી હતી. જે અદાલતમાં ચાલી જતા કોર્ટે ઇન્કવાયરીના કામે ગુનો દાખલ કરવા પોલીસને આદેશ આપ્યો હતો.