પહેલાંથી આપવામાં આવેલી નોટિસ છતાં દબાણ દૂર ન કરનાર વિક્રેતાઓ સામે પાલિકા દબાણ શાખાએ કાર્યવાહી કરી
વડોદરા:
વડોદરા શહેરના વહીવટી વોર્ડ નં. 14 વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાન ખાતે છેલ્લા ઘણા સમયથી ઘાસચારા વિક્રેતાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરી જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં, દબાણ દૂર કરવામાં આવ્યું નહોતું અને ઘાસચારા વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ અંગે પાલિકા દબાણ શાખાની ટીમે બુધવારે વાડી પોલીસ સ્ટાફની હાજરીમાં વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. JCBની મદદથી ગેરકાયદે ઓટલા અને પેવર બ્લોક જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન લગભગ એક ટ્રક જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો.

પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાહેર જગ્યાઓ પર ગેરકાયદે દબાણો અને વેપાર સામે કડક પગલાં લેવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓએ પણ પાલિકાની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું અને જાહેર સ્થળો પરથી દબાણ દૂર થતા રાહત અનુભવી હતી.
પાલિકા દ્વારા આવનારા દિવસોમાં આવા દબાણો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે.